જસ્સી જૈસા કોઈ નહીં

28 January, 2025 07:41 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર અવૉર્ડ જીતનાર ભારતનો પહેલો ફાસ્ટ બોલર બન્યો બુમરાહ : અગાઉ આ અવૉર્ડ ભારતના ચાર સ્ટાર બૅટર અને એક ઓલરાઉન્ડર જીત્યા છે

જસપ્રીત બુમરાહ

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ગઈ કાલે ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઑફ ધ યર 2024 જાહેર કરવામાં આવ્યો છે. તેણે ગયા વર્ષે માત્ર ૧૩ ટેસ્ટ-મૅચમાં ૭૧ વિકેટ લીધી છે. પીઠની ઈજામાંથી સ્વસ્થ થઈને ૩૧ વર્ષના આ ફાસ્ટ બોલરે ૨૦૨૪માં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. આ અવૉર્ડ જીતવાની રેસમાં તેણે ઇંગ્લૅન્ડના સ્ટાર બૅટર હૅરી બ્રુક, જો રૂટ અને શ્રીલંકાના કામિન્દુ મેન્ડિસને પાછળ છોડ્યા હતા. ૨૦૨૪ની ટેસ્ટ અને T20 મેન્સ ટીમ ઑફ ધ યરમાં પણ બુમરાહને સ્થાન મળ્યું છે.

મહત્ત્વની વાત એ છે કે ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઑફ ધ યર અવૉર્ડ જીતનાર બુમરાહ ભારતનો પહેલો ફાસ્ટ બોલર બન્યો છે. તેના પહેલાં રાહુલ દ્રવિડ (૨૦૦૪), ગૌતમ ગંભીર (૨૦૦૯), વીરેન્દર સેહવાગ (૨૦૧૦), ઑલરાઉન્ડર રવિચન્દ્રન અશ્વિન (૨૦૧૬) અને વિરાટ કોહલી (૨૦૧૮) આ અવૉર્ડથી સન્માનિત થયા હતા. જસપ્રીત બુમરાહ ૨૦૨૪ના મેન્સ ક્રિકેટર ઑફ ધ યર અવૉર્ડ જીતવાની રેસમાં પણ સામેલ છે. ટેસ્ટ-ઇતિહાસમાં ૧૭ બોલર્સ એક વર્ષમાં ૭૦ પ્લસ વિકેટ લઈ ચૂક્યા છે, પણ બુમરાહ જેટલી સૌથી ઓછી બોલિંગ-ઍવરેજ ૧૪.૯૨થી કોઈ બોલિંગ કરી શક્યું નથી.

૨૦૨૪માં જસપ્રીત બુમરાહનું ટેસ્ટ-ક્રિકેટમાં પ્રદર્શન

મૅચ

૧૩

ઇનિંગ્સ

૨૬

ઓવર

૩૫૭

મેઇડન ઓવર

૮૫

રન આપ્યા

૧૦૬૦

વિકેટ

૭૧

બોલિંગ-ઍવરેજ

૧૪.૯૨

ઇકૉનૉમી

૨.૯૬

 

jasprit bumrah international cricket council joe root indian cricket team cricket news sports news sports