23 December, 2024 03:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજુ સૅમસન, ધ્રુવ જુરેલ
રાજસ્થાન રૉયલ્સના કૅપ્ટન સંજુ સૅમસને હાલમાં સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર એ.બી. ડિવિલિયર્સની યુટ્યુબ ચૅનલ પર મોટો ખુલાસો કર્યો છે. રાજસ્થાન રૉયલ્સે ધ્રુવ જુરેલની સૅલેરી ૨૦ લાખથી વધારીને ૧૪ કરોડ રૂપિયા કરીને તેને મેગા ઑક્શન પહેલાં રીટેન કર્યો હતો. હવે સંજુ સૅમસન તેની માટે પોતાની વિકેટકીપર તરીકેની પોઝિશન છોડવા પણ તૈયાર થઈ ગયો છે.
સૅમસને કહ્યું કે ‘અમને લાગે છે કે ટેસ્ટ વિકેટકીપર તરીકે ધ્રુવ જુરેલની કરીઅરના આ તબક્કે તેને IPLમાં વિકેટકીપિંગની જરૂર છે. મેં તેને કહ્યું કે આપણે સાથે કીપિંગ કરીશું. મેં ક્યારેય ફીલ્ડર તરીકે કૅપ્ટન્સી કરી નથી. આ પડકારજનક હોઈ શકે છે. મેં ધ્રુવને એમ પણ કહ્યું હતું કે એક કૅપ્ટન તરીકે મને લાગે છે કે તારે કેટલીક મૅચમાં કીપિંગ કરવી જોઈએ.’
વિકેટકીપર તરીકે સંજુએ આ ટુર્નામેન્ટમાં ૧૬ સ્ટમ્પિંગ અને ૬૪ કૅચ પકડ્યા છે. બીજી તરફ ધ્રુવ જુરેલ ક્યારેય IPLમાં વિકેટકીપર તરીકે રમ્યો નથી.