10 April, 2025 07:07 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
વેબ-સિરીઝ ‘મની હાઇસ્ટ’ની સ્ટાઇલમાં ઈડન ગાર્ડન્સમાં ફૅન્સ લાવ્યા શાહરુખ ખાન અને IPL ટ્રોફીનું વિશાળ પોસ્ટર
IPL 2025ની ૨૧મી મૅચમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ હોમ ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે ચાર રને રોમાંચક જીત નોંધાવી હતી. ગઈ સીઝનમાં કલકત્તા સામે બન્ને મૅચ હારનાર લખનઉએ આ હરીફ ટીમને પોતાની સામે જીતની હૅટ-ટ્રિક કરતાં રોકી હતી. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરતાં લખનઉએ નિકોલસ પૂરન અને મિચલ માર્શની ધમાકેદાર ઇનિંગ્સની મદદથી ત્રણ વિકેટ ગુમાવીને ૨૩૮ રન ખડકી દીધા હતા. ૨૩૯ રનના ટાર્ગેટ સામે કલકત્તાએ જોરદાર પડકાર આપતાં સાત વિકેટે ૨૩૪ રન બનાવ્યા હતા.
લખનઉના ઓપનર્સ મિચલ માર્શ (૪૮ બૉલમાં ૮૧ રન) અને એઇડન માર્કરમે (૨૮ બૉલમાં ૪૭ રન) સાથે મળીને ૯૯ રનની ધમાકેદાર ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. છેક અગિયારમી ઓવરમાં પહેલી વિકેટ ગુમાવ્યા બાદ લખનઉના વાઇસ-કૅપ્ટન નિકોલસ પૂરને ૩૬ બૉલમાં ૮૭ રન અણનમ કર્યા હતા.
૨.૩ ઓવર સુધીમાં ૩૭ રનની ઓપનિંગ પાર્ટનરશિપ સાથે ડિફેન્ડિંગ ચૅમ્પિયન કલકત્તાએ સાધારણ શરૂઆત કરી હતી. કૅપ્ટન અજિંક્ય રહાણે (૩૫ બૉલમાં ૬૧ રન)એ જવાબદારી સંભાળીને બીજી વિકેટ માટે સુનીલ નારાયણ (૧૩ બૉલમાં ૩૦ રન) સાથે ૫૪ રનની અને વાઇસ-કૅપ્ટન વેન્કટેશ ઐયર (૨૯ બૉલમાં ૪૫ રન) સાથે ૭૧ રનની પાર્ટનરશિપ કરીને ટીમનો સ્કોર ૧૬૦ના પાર પહોંચાડ્યો હતો, પણ આ મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ બાદ કલકત્તાએ ૨૦ બૉલની અંદર ૨૩ રન બનાવીને પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. જ્યારે જીત માટે ૭૭ રનની જરૂર હતી ત્યારે ઉપરાઉપરી પાંચ વિકેટ ગુમાવીને કલકત્તાએ પોતાનો લય ગુમાવી દીધો હતો. ૧૨.૬થી ૧૬.૧ ઓવરની અંદર અજિંક્ય રહાણે, રમનદીપ સિંહ (બે બૉલમાં એક રન), અંગક્રિશ રઘુવંશી (ચાર બૉલમાં પાંચ રન), વેન્કટેશ ઐયર અને આન્દ્રે રસેલ (ચાર બૉલમાં સાત રન)ની વિકેટ પડી હતી.
સ્ટાર ફિનિશર રિન્કુ સિંહે ૨૫૩.૩૩ના સ્ટ્રાઇક-રેટથી ૧૫ બૉલમાં છ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી કરેલા ૩૮ રન પછી પણ કલકત્તા જીત મેળવી શક્યું નહોતું. ૨૪૧.૬૭ના સ્ટ્રાઇક-રેટથી ૩૬ બૉલમાં ૮૭ રન ફટકારનાર લખનઉ સુપર જાયન્ટ્સનો વાઇસ-કૅપ્ટન નિકોલસ પૂરન પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. લખનઉના સ્પિનર દિગ્વેશ રાઠીએ પોતાના આદર્શ સુનીલ નારાયણની વિકેટ લઈને મેદાનના ઘાસ પર નોટબુક સેલિબ્રેશન કર્યું. લોકપ્રિય વેબ-સિરીઝ ‘મની હાઇસ્ટ’ની સ્ટાઇલમાં ઈડન ગાર્ડન્સમાં ફૅન્સ લાવ્યા શાહરુખ ખાન અને IPL ટ્રોફીનું વિશાળ પોસ્ટર.