22 April, 2025 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાનખેડે સ્ટેડિયમનાં ૫૦ વર્ષની ઉજવણી પર લૉન્ચ કરવામાં આવેલી કૉફી-ટેબલ બુક મહેન્દ્ર સિંહ ધોનીને ગિફ્ટ કરી મુંબઈ ક્રિકેટ અસોસિએશને.
ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમ વર્તમાન સીઝનમાં સૌથી ખરાબ -૧.૩૯૨ના નેટ રન-રેટ સાથે પૉઇન્ટ્સ ટેબલમાં સૌથી તળિયાની ટીમ છે. પાંચ વખતની IPL ચૅમ્પિયન ટીમ ચેન્નઈ વર્તમાન સીઝનમાં માત્ર બે મૅચ જીતી શકી છે. રવિવારે મુંબઈ ઇન્ડિયન્સ સામે એને સીઝનની છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો હતો. વાનખેડે સ્ટેડિયમમાં IPL મૅચ જીતવાની હૅટ-ટ્રિક ચૂકી ગયા બાદ ટીમના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ મહત્ત્વપૂર્ણ નિવેદન આપતાં કહ્યું હતું કે ‘અમારે જે પણ મૅચ બાકી છે એ જીતવી પડશે. અમે ફક્ત એક સમયે એક મૅચ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. જો અમે આગળ જતાં થોડી મૅચ હારી જઈએ તો આગામી વર્ષ માટે યોગ્ય સંયોજન શોધવું અમારા માટે મહત્ત્વપૂર્ણ રહેશે. અમે ઘણા બધા પ્લેયર્સ બદલવાના પક્ષમાં નથી. અમારા માટે અત્યારે પ્લેઑફ માટે ક્વૉલિફાય થવું મહત્ત્વપૂર્ણ છે, પરંતુ જો એમ ન થાય તો અમારું ધ્યાન આગામી વર્ષ માટે ૧૧ પ્લેયર્સને તૈયાર કરવા અને પછી મજબૂત વાપસી કરવા પર રહેશે.’