18 March, 2026 03:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલ્હી ઍન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ અસોસિએશનના પ્રમુખ રોહન જેટલીએ વર્લ્ડ કપ ચૅમ્પિયન પ્રતીકા રાવલને એક સમારોહમાં ૫૧ લાખ રૂપિયાનો ચેક આપીને સન્માનિત કરી હતી.
ભારતની ટૉપ ઑર્ડર મહિલા બૅટર પ્રતીકા રાવલે આ મહિનાની શરૂઆતમાં ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ-ડેબ્યુમાં લડાયક ફિફ્ટી ફટકારી હતી. દિલ્હીની પચીસ વર્ષની આ ક્રિકેટરે ટેસ્ટ-ક્રિકેટ વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપીને વધુ મહિલા ટેસ્ટ રમાડવાની હિમાયત કરી છે. પ્રતીકા રાવલે કહ્યું હતું કે ‘ટેસ્ટ ક્રિકેટ સૌથી સુંદર ફૉર્મેટ છે. બાળપણથી જ મારા પપ્પા અને કોચે મને કહ્યું છે કે આ ફૉર્મેટમાં સારું પ્રદર્શન કરવું ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આપણે જેટલી વધુ મહિલા ટેસ્ટ-મૅચ રમીશું એટલું સારું રહેશે. ટેસ્ટ-ક્રિકેટ રમવાનો અનુભવ ફક્ત તમને એક ક્રિકેટર તરીકે જ નહીં પરંતુ એક વ્યક્તિ તરીકે પણ વિકસાવવામાં મદદ કરે છે. સચિન તેન્ડુલકર જેવા મહાન બૅટરના વિડિયો જોઈને મેં પોતાની જાતને આ ફૉર્મેટ માટે તૈયાર કરી હતી.’