સચિનનો ૧૦૦ સદીનો રેકૉર્ડ તોડવા માટે વિરાટને વન-ડે વર્લ્ડ કપના અંત સુધીમાં મૅક્સિમમ ૪૦ મૅચ રમવા મળી શકે

05 December, 2025 03:10 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકા સામે ૮૪મી સદી ફટકારનાર કિંગ કોહલીને મહારેકૉર્ડ તોડવા ૧૭ વન-ડે સદીની જરૂર

વિરાટ કોહલી

સાઉથ આફ્રિકા સામે બૅક-ટુ-બૅક સદી ફટકારીને વિરાટ કોહલીએ ૮૪મી ઇન્ટરનૅશનલ સેન્ચુરી સુધી પહોંચીને ૧૦૦ સદીના મહારેકૉર્ડને તોડવાની આશાને જીવંત રાખી છે. ક્રિકેટચાહકો અને નિષ્ણાતોએ હવે આગામી વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૭ના અંત સુધી વિરાટ કોહલી કઈ રીતે ૧૦૦ સદીને પાર કરી શકશે એની ચર્ચા અને ગણતરી શરૂ કરી દીધી છે. 
ભૂતપૂર્વ ક્રિકેટર અને પ્રખ્યાત કૉમેન્ટેટર આકાશ ચોપડાએ કહ્યું હતું કે ‘વિરાટ કોહલી સેન્ચુરીનો બાદશાહ છે. તે એકદમ શાનદાર રહ્યો છે. હવે એવું લાગે છે કે તે બાકીની મૅચમાં ૧૦૦ સદી સુધી પહોંચી શકે છે. તે ફક્ત ૧૬ સદી દૂર છે અને ઑલમોસ્ટ ૪૦ મૅચ બાકી છે જેમાં ૨૦૨૭ના વર્લ્ડ કપની મૅચ પણ સામેલ છે.  તે થોડા અલગ ગિઅરમાં બૅટિંગ કરી રહ્યો છે અને એક અલગ ગેમપ્લાન સાથે રમી રહ્યો છે.’
સચિન તેન્ડુલકરની ૧૦૦ સદીની બરાબરી કરવા વિરાટને ૧૬ સદી અને રેકૉર્ડ તોડવા ૧૭ સદીની જરૂર છે. 
જાહેર થયેલા શેડયુલ અનુસાર સાઉથ આફ્રિકા સામેની અંતિમ વન-ડે મૅચથી લઈને શ્રીલંકા સામે ડિસેમ્બર ૨૦૨૬માં રમાનારી વન-ડે સિરીઝ સુધી ભારત બાવીસ વન-ડે મૅચ રમશે જેમાં બંગલાદેશ સામેની સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી પોસ્ટપોન થયેલી ૩ વન-ડે મૅચની સિરીઝ પણ સામેલ છે. 
વર્લ્ડ કપ પહેલાં સપ્ટેમ્બર ૨૦૨૭માં બંગલાદેશમાં વન-ડે ફૉર્મેટના એશિયા કપનું પણ આયોજન છે જેમાં ગ્રુપ-સ્ટેજની બે, સુપર ફોરની બે અને નૉકઆઉટની બે સહિત ટોટલ ૬ મૅચ રમાશે.

કોહલીએ સચિન કરતાં ૫૦ ઓછી ઇનિંગ્સમાં ૮૪મી સદી ફટકારી 
બુધવારે સાઉથ આફ્રિકા સામે વિરાટ કોહલીએ ૮૪મી ઇન્ટરનૅશનલ સદી ફટકારી હતી. તેણે સચિન તેન્ડુલકર કરતાં ૫૦ ઓછી ઇનિંગ્સમાં આ રેકૉર્ડ સેન્ચુરી ફટકારી હતી. કોહલીએ તેની ૬૨૨મી ઇનિંગ્સમાં ૮૪મી સદી ફટકારી, જ્યારે સચિને માર્ચ ૨૦૦૯માં ન્યુ ઝીલૅન્ડ સામેની વન-ડેમાં તેની ૬૭૨મી ઇનિંગ્સમાં આટલી સદી પૂરી કરી હતી.

વન-ડે વર્લ્ડ કપ 2027 સુધીનું ભારતનું શેડ્યુલ 

ડિસેમ્બર ૨૦૨૫

સાઉથ આફ્રિકા સામે એક મૅચ

જાન્યુઆરી ૨૦૨૬

ન્યુ ઝીલૅન્ડ સામે ૩ મૅચ

જૂન ૨૦૨૬

અફઘાનિસ્તાન સામે ૩ મૅચ

જુલાઈ ૨૦૨૬

ઇંગ્લૅન્ડ સામે ૩ મૅચ

સપ્ટેમ્બર ૨૦૨૬

બંગલાદેશ સામે ૩ મૅચ

સપ્ટેમ્બર-ઑક્ટોબર ૨૦૨૬

વેસ્ટ ઇન્ડીઝ સામે ૩ મૅચ

ઑક્ટોબર-નવેમ્બર ૨૦૨૬

ન્યુ ઝીલૅન્ડ સામે ૩ મૅચ

ડિસેમ્બર ૨૦૨૬

શ્રીલંકા સામે ૩ મૅચ

સપ્ટેમ્બર ૨૦૨૭

એશિયા કપ ફાઇનલ સુધી ૬ મૅચ

ઑક્ટોબર-નવેમ્બર ૨૦૨૭

વર્લ્ડ કપ ગ્રુપ-સ્ટેજની ૬ મૅચ

ઑક્ટોબર-નવેમ્બર ૨૦૨૭

વર્લ્ડ કપ સુપર સિક્સની ૩ મૅચ

ઑક્ટોબર-નવેમ્બર ૨૦૨૭

વર્લ્ડ કપ સેમી ફાઇનલ અને ફાઇનલ મૅચ

૨૦૨૭ના ઑક્ટોબર અને નવેમ્બરમાં આયોજિત  વર્લ્ડ કપ દરમ્યાન 

ગ્રુપ-સ્ટેજમાં ૬ મૅચ, સુપર સિક્સર તબક્કામાં ત્રણ મૅચ અને નૉકઆઉટ સ્ટેજમાં ફાઇનલ સહિત બે મૅચ રમવાની તક છે. 
ફાઇનલ સુધી પહોંચવાના કિસ્સામાં વિરાટ કોહલી પાસે ૩૯ વન-ડે મૅચમાં માઇલસ્ટોન સદી પૂરી કરવાની તક હશે. જોકે વર્લ્ડ કપની તૈયારી માટે ક્રિકેટ બોર્ડ વધુ વન-ડે મૅચ રમવાનું આયોજન કરે તો વિરાટ કોહલીને ૧૦૦ સદી પાર કરવા માટે ૪૦થી વધુ મૅચ રમવાની તક મળશે. ઇન્જરી, પ્લેઇંગ ઇલેવનમાં સિલેક્ટ ન થાય, વરસાદ અને મૅચ રદ થવાની ઘટનાથી સમીકરણ ખોરવાઈ પણ શકે છે. 

virat kohli sachin tendulkar south africa cricket news sports news sports