01 March, 2026 10:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગૌતમ ગંભીર સહિતનો ભારતીય કોચિંગ-સ્ટાફ ઈડન ગાર્ડન્સની પિચ જોઈને મૅચ માટે રણનીતિ બનાવતા જોવા મળ્યો હતો.
T20 વર્લ્ડ કપની બાવનમી અને સુપર 8 રાઉન્ડની અંતિમ મૅચ આજે સાંજે ૭ વાગ્યાથી કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝમાંથી આજે જે ટીમ જીતશે એ ચોથી સેમી-ફાઇનલિસ્ટ ટીમ બનશે. આ બન્ને ટીમને સુપર 8માં ટેબલ-ટૉપર સાઉથ આફ્રિકા સામે હાર મળી છે અને બન્નેએ ઝિમ્બાબ્વે સામે ૨૫૦+નો સ્કોર કરીને એકમાત્ર જીત નોંધાવી છે. બે-બે વખત T20 વર્લ્ડ કપ જીતનાર આ બન્ને ટીમ આ ક્વૉર્ટર ફાઇનલ જેવી મૅચમાં એડીચોટીનું જોર લગાવશે.
બન્ને વચ્ચે ઑગસ્ટ ૨૦૨૩ બાદ પહેલી વખત T20 મૅચ રમાશે. ૩૦ મૅચમાંથી ભારત ૧૯ મૅચ અને વેસ્ટ ઇન્ડીઝ માત્ર ૧૦ મૅચ જીત્યું છે. એક મૅચ નો-રિઝલ્ટ પણ રહી હતી. T20 વર્લ્ડ કપની ૪ મૅચમાંથી ભારત માત્ર ૨૦૧૪માં ગ્રુપ-સ્ટેજ મૅચ જીત્યું હતું. ૨૦૦૯ અને ૨૦૧૦ની ગ્રુપ-સ્ટેજ મૅચ સહિત ૨૦૧૬ની સેમી-ફાઇનલ મૅચ કૅરિબિયનોએ જીતી હતી. એ અંતિમ ટક્કર વાનખેડે સ્ટેડિયમમાં થઈ હતી જ્યાં વિરાટ કોહલી ઍન્ડ કંપનીને ૭ વિકેટની કારમી હાર મળી હતી.
૨૦૧૮થી ૨૦૨૨ વચ્ચે બન્ને ટીમે ઈડન ગાર્ડન્સમાં સામસામે ૪ T20 મૅચ રમી હતી અને એ તમામ યજમાન ભારતે જીતી હતી. વેસ્ટ ઇન્ડીઝ અહીં ૭ T20 વર્લ્ડ કપ મૅચમાંથી ૩ મૅચ જીત્યું છે અને ચાર મૅચ હાર્યું છે. ભારતને અહીં ૮માંથી ૭ મૅચમાં જીત મળી છે. એકમાત્ર હાર ૨૦૧૧માં ઇંગ્લૅન્ડ સામે મળી હતી.
કૅપ્ટન સૂર્યકુમાર યાદવ સાથે બૅટિંગ-રણનીતિ વિશે ચર્ચા કરતો તિલક વર્મા. પ્રૅક્ટિસ-સેશનમાં બોલિંગ કરતાં પહેલાં કસરત કરતો બોલર અર્શદીપ સિંહ.
|
સુપર 8 ગ્રુપ વનનું પૉઇન્ટ-ટેબલ |
|||||
|
ટીમ |
મૅચ |
જીત |
હાર |
પૉઇન્ટ |
નેટ રનરેટ |
|
સાઉથ આફ્રિકા |
૨ |
૨ |
૦ |
૪ |
+૨.૮૯૦ |
|
વેસ્ટ ઇન્ડીઝ |
૨ |
૧ |
૧ |
૨ |
+૧.૭૯૧ |
|
ભારત |
૨ |
૧ |
૧ |
૨ |
-૦.૧૦૦ |
|
ઝિમ્બાબ્વે |
૨ |
૦ |
૨ |
૦ |
-૪.૪૭૫ |
જો ભારત-વેસ્ટ ઇન્ડીઝ મૅચ ધોવાઈ જાય તો શું થશે?
વેસ્ટ ઇન્ડીઝ T20 વર્લ્ડ કપ 2026 સુપર 8ના ગ્રુપ વનના પૉઇન્ટ-ટેબલમાં બે પોઇન્ટ અને +૧.૭૯૧ના નેટ રન-રેટ સાથે બીજા ક્રમે છે જ્યારે ભારત બે પૉઇન્ટ અને -૦.૧૦૦ના નેટ રન-રેટ સાથે ત્રીજા ક્રમે છે. જો તેમની આજની વર્ચ્યુઅલ ક્વૉર્ટર-ફાઇનલ ધોવાઈ જાય તો બન્ને ટીમને એક-એક પૉઇન્ટ મળશે જેમાં વેસ્ટ ઇન્ડીઝ તેમના સારા નેટ રન-રેટને કારણે સેમી-ફાઇનલમાં આગળ વધશે જ્યારે ભારત બહાર થઈ જશે. વેધર રિપોર્ટ અનુસાર આજે સાંજથી વાદળછાયું વાતાવરણ રહેશે પણ વરસાદની કોઈ શક્યતા નથી.