અન્ડર-19 વર્લ્ડ કપના સાથી માવી અને ગિલના એકસાથે ટી20 ડેબ્યુ

04 January, 2023 11:54 AM IST  |  Mumbai | Ajay Motivala

વાનખેડે એક સમયે હાર્દિકનું આઇપીએલ-હોમ ગ્રાઉન્ડ હતું.

વાનખેડેમાં કૅપ્ટન હાર્દિક પંડ્યાનું ટૅટૂ ચીતરાવીને આવેલો એક ચાહક. તસવીર આશિષ રાજે

વાનખેડેમાં ગઈ કાલે રમાયેલી આ વર્ષની પ્રથમ ઇન્ટરનૅશનલ મૅચમાં ન્યુ લુક ભારતીય ટીમે ધબડકા બાદ કમબૅક કરીને ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૬૨ રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયાએ ૪૬ રનમાં શુભમન ગિલ (૭), સૂર્યકુમાર યાદવ (૭) અને સંજુ સૅમસન (૫)ની વિકેટ ગુમાવી દીધી હતી. ઈશાન કિશને (૩૭) અને કૅપ્ટન હાર્દિક પંડ્યા (૨૯)એ સાથે મળીને ટીમને સ્થિરતા આપ્યા બાદ દીપક હૂડા (૨૩ બૉલમાં ૪ સિક્સર અને ૧ ફોર સાથે અણનમ ૪૧) અને અક્ષર પટેલ (૨૦ બૉલમાં ૧ સિક્સર અને ૩ ફોર સાથે અણનમ ૩૧ રન) વચ્ચે ૩૫ બૉલમાં ૬૮ રનની પાર્ટનરશિપને લીધે ટીમ ૧૬૨ રનના ચૅલેન્જિંગ સ્કોર સુધી પહોંચી શકી હતી. 

મૅચના ચમકારા

(૧) ઓડીઆઇ વર્લ્ડ કપના વર્ષમાં ટી૨૦નો આઇપીએલ પહેલાંનો મિનિ જંગ ૨૦૨૩ના આરંભમાં જ શરૂ થયો અને એમાં વાનખેડેમાં શ્રીલંકા સામે ભારતના એકસાથે બે પ્લેયરને ડેબ્યુ કરવા મળ્યું. શિવમ માવીને કૅપ્ટન હાર્દિક પાસેથી અને શુભમન ગિલને વાઇસ કૅપ્ટન સૂર્યકુમાર પાસેથી કૅપ મળી.

(૨) વાનખેડે એક સમયે હાર્દિકનું આઇપીએલ-હોમ ગ્રાઉન્ડ હતું.

(૩) આઇપીએલ ચૅમ્પ્સ ગુજરાત ટાઇટન્સે ૬ કરોડ રૂપિયામાં ખરીદેલા માવીને અર્શદીપ સિંહ ઉપલબ્ધ ન હોવાથી રમવા મળી ગયું.

(૪) માવી અને ગિલ પાંચ વર્ષ પહેલાં ન્યુ ઝીલૅન્ડમાં અન્ડર-19 વર્લ્ડ કપમાં રમ્યા અને પાંચ વર્ષ બાદ હવે તેમણે ટી-૨૦માં સાથે ડેબ્યુ કર્યું.

(૫) સૂર્યા... સૂર્યા... સૂર્યા...ની બૂમો પાડનારાઓએ થોડી જ વારમાં નિરાશ થવું પડ્યું. સૂર્યા ફક્ત ૧૦ બૉલમાં ૭ રનના સ્કોર પર કરુણારત્નેના બૉલમાં શૉટ મારવાની થોડી ઉતાવળમાં શૉર્ટ ફાઇન લેગ પર રાજાપક્સાને કૅચ આપી બેઠો હતો. તેના પછી સંજુ સૅમસને પણ છગ્ગો મારવાની લાલચમાં શૉર્ટ થર્ડ મૅન પર મદુશન્કાને આસાન કૅચ આપી દીધો હતો.

sports news sports indian cricket team cricket news hardik pandya t20 international