05 March, 2023 06:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમદાવાદમાં સ્પિનર્સને મદદગાર પિચ બનાવાશે
ઇન્દોરમાં ૯ વિકેટે મળેલી હાર બાદ ભારતીય ક્રિકેટ બોર્ડ અને રોહિત શર્માએ પોતાની યોજના બદલવી પડી છે. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં પિચ પર ઘાસ હોય એવી યોજના હતી, પરંતુ હવે સ્પિનર્સને મદદગાર પિચ જ બનાવાશે, જે પિચ પર ઇંગ્લૅન્ડ ગયા વખતે રમ્યુ હતું. જો ભારતે શ્રીલંકા સાથેની સ્પર્ધામાં ‘જો’ અને ‘તો’ની શક્યતાને નકારવી હોય તો અમદાવાદમાં ૯ માર્ચથી શરૂ થતી મૅચ જીતવી જરૂરી છે.
જો ભારત આ મૅચ હારી જાય અને શ્રીલંકા ન્યુ ઝીલૅન્ડને હરાવી દે તો એવા સંજોગોમાં ભારતને બદલે
શ્રીલંકા ફાઇનલમાં પહોંચી શકે છે.
જોકે આમ થવાની શક્યતા ઘણી
ઓછી છે.
રોહિત શર્માને લાગ્યું હતું કે ભારતીય ટીમ ઇન્દોરની મૅચ જીતી જશે, પરંતુ ભારતીય ટીમ મૅચ કુનેમન અને નૅથન લાયન સામે ઘૂંટણિયે પડી ગઈ હતી. ભારતને હરાવીને ઑસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પોતાનું સ્થાન જમાવી લીધું છે.
ત્રીજી ટેસ્ટ શરૂ થાય એ પહેલાં
રોહિતે કહ્યું કે ઇંગ્લૅન્ડના કેનિંગ્ટન ઓવલ મેદાન જેવી પિચ પર તે પ્રૅક્ટિસ કરવા માગે છે.
પિચના મામલે કોઈ સૂચના નહીં
બીજી તરફ ગુજરાત ક્રિકેટ અસોસિએશનના ક્યુરેટરે સારી બૅટિંગ-પિચ તૈયાર કરી છે. સ્ટેટ અસોસિએશનનાં સૂત્રોએ કહ્યું કે ઇન્ડિયન ટીમ મૅનેજમેન્ટ દ્વારા લોકલ ક્યુરેટરને પિચના મામલે કોઈ સૂચના મળી નથી એથી દર વખતે જે રીતે પિચ તૈયાર કરતા હોઈએ છીએ એવી જ પિચ તૈયાર કરી છે. છેલ્લી રણજી ટ્રોફી મૅચમાં રેલવેએ પહેલાં બૅટિંગ કરતાં ૫૦૫ રન કર્યા હતા. જવાબમાં ગુજરાત બન્ને ઇનિંગ્સમાં ૨૦૦ કરતાં વધુ રન કરી શક્યું હતું, પરંતુ એક ઇનિંગ્સથી હાર્યું હતું.
શમીની વાપસી
છેલ્લી ટેસ્ટમાં ફાસ્ટ બોલર શમીને રમાડવામાં આવશે. અગાઉ મેડિકલ સ્ટાફ સાથે ચર્ચા કર્યા બાદ તેને આરામ આપવામાં આવ્યો હતો. તેના સ્થાને ઉમેશ યાદવને તક આપવામાં આવી હતી. ફાસ્ટ બોલરમાં શમીએ બન્ને ટીમમાં સૌથી વધુ ૭ વિકેટ લીધી હતી.
મોદી અને ઍન્થની સાથે મૅચ જોશે
વડા પ્રધાન મોદી અને ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની અલબનીસ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાથે બેસીને મૅચ જોશે. સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કર્યા બાદ તેઓ પહેલી વખત આ સ્ટેડિયમમાં મૅચ જોશે.