નેધરલૅન્ડ્સ સામે ૧૪૮ રનનો સામાન્ય ટાર્ગેટ માંડ-માંડ ચેઝ કરી શક્યું પાકિસ્તાન

08 February, 2026 11:27 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૧૮મી ઓવરમાં નેધરલૅન્ડ્સની જીતની સંભાવના ૭૭ ટકા હતી, પરંતુ કૅચ છૂટ્યો અને મૅચ ગુમાવી : છેલ્લી બે ઓવરમાં ૨૮ રન ફટકારીને ફહીમ અશરફે પાકિસ્તાનની લાજ બચાવી

ફહીમ અશરફ ૧૧ બૉલમાં ૨૯ રનની મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.

કોલંબોમાં ગઈ કાલે મેન્સ T20 વર્લ્ડ કપની પહેલી મૅચમાં નેધરલૅન્ડ્સ સામે પાકિસ્તાને માંડ-માંડ ૩ વિકેટે જીત નોંધાવી હતી. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પાકિસ્તાને આ હરીફ સામે સતત ત્રીજી T20 મૅચ અને સતત દસમી ઇન્ટરનૅશનલ જીત મેળવી હતી. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર નેધરલૅન્ડ્સે ૧૯.૫ ઓવરમાં ૧૪૭/૧૦નો સ્કોર કર્યો હતો. જવાબમાં પાકિસ્તાને ૧૯.૩ ઓવરમાં ૭ વિકેટે ૧૪૮ રન કર્યા હતા. 
પાકિસ્તાની બોલિંગ-યુનિટના તરખાટ વચ્ચે નેધરલૅન્ડ્સના કૅપ્ટન સ્કૉટ એડવર્ડ્સે ૨૯ બૉલમાં ૩ ફોર અને ૧ સિક્સની મદદથી ૩૭ રનની ઇનિંગ્સ રમી હતી. પાકિસ્તાનના પેસ બોલર સલમાન મિર્ઝાને હાઇએસ્ટ ૩ વિકેટ મળી હતી. સ્પિનર અબ્રાર અહમદ, સૈમ અયુબ અને મોહમ્મદ નવાઝે ૨-૨ વિકેટ અને પેસ બોલર શાહીન શાહ આફ્રિદીએ ૧ વિકેટ ઝડપી હતી. પોતાની ફીલ્ડિંગ સુધારવાની સાબિતી આપતાં પાકિસ્તાની પ્લેયર્સે ૧૦માંથી ૯ હરીફ પ્લેયર્સને કૅચઆઉટ કર્યા હતા. 
રન-ચેઝ દરમ્યાન પાકિસ્તાને પહેલી ૧૦ ઓવરમાં સાહિબજાદા ફરહાનની ૩૧ બૉલમાં ૪૭ રનની ઇનિંગ્સની મદદથી ૨ વિકેટે ૯૦ રન ફટકાર્યા હતા. જોકે ૧૨થી ૧૭મી ઓવર દરમ્યાન પાકિસ્તાની ટીમ ૧૬ રનની અંદર પાંચ વિકેટ ગુમાવીને બૅકફુટ પર આવી ગઈ હતી. ૧૮મી ઓવરમાં નેધરલૅન્ડ્સની જીતની શક્યતા ૭૭ ટકા હતી, પરંતુ ૧૯મી ઓવરના બીજા બૉલ પર મૅક્સ ઓ’ડાઉડે ફહીમ અશરફનો કૅચ છોડીને મોટી ભૂલ કરી હતી. 
અંતિમ બે ઓવરમાં જ્યારે જીત માટે ૨૯ રનની જરૂર હતી ત્યારે ઑલરાઉન્ડર ફહીમ અશરફે આઠમા ક્રમે ૨૬૩.૬૪ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને જીત અપાવી હતી. તેણે બે ફોર અને ૩ સિક્સની મદદથી ૧૧ બૉલમાં ૨૯ રન ફટકાર્યા હતા. અંતિમ બે ઓવરમાં તેના બૅટથી ૨૮ રન આવ્યા હતા. ૧૯મી ઓવરમાં તેણે પાકિસ્તાન માટે વર્લ્ડ કપ મૅચની એક ઓવરમાં હાઇએસ્ટ ૨૪ રન ફટકાર્યા હતા.

pakistan netherlands t20 world cup cricket news sports news sports