યુરોપિયન T20 પ્રીમિયર લીગનો સહ-માલિક બન્યો અભિષેક બચ્ચન

07 January, 2025 09:02 AM IST  |  Brussels | Gujarati Mid-day Correspondent

આયરલૅન્ડ, સ્કૉટલૅન્ડ અને નેધરલૅન્ડ્સ દ્વારા મળીને આ પ્રાઇવેટ લીગની સ્થાપના કરવામાં આવી

અભિષેક બચ્ચન

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ હાલમાં યુરોપિયન T20 પ્રીમિયર લીગ (ETPL)ને મંજૂરી આપી છે. આ ફ્રૅન્ચાઇઝી લીગ સ્કૉટલૅન્ડ, આયરલૅન્ડ અને નેધરલૅન્ડ્સની ભાગીદારી સાથે ૧૫ જુલાઈથી ત્રીજી ઑગસ્ટ દરમ્યાન રમાશે. આ ત્રણેય દેશના બેસ્ટ પ્લેયર્સ વિશ્વભરના પ્રખ્યાત ક્રિકેટર્સ સાથે યુરોપમાં ધમાલ મચાવશે. આ લીગમાં ૬ ટીમ હશે : ડબલિન, બેલ્ફાસ્ટ, ઍમસ્ટરડૅમ, રૉટરડૅમ, એડિનબર્ગ અને ગ્લાસગો.

ફુટબૉલ માટે જાણીતા યુરોપમાં આ લીગ ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી રહી છે. બૉલીવુડ ઍક્ટર અને રમતપ્રેમી અભિષેક બચ્ચન આ લીગનો સહ-માલિક બન્યો છે. પહેલી વાર વિદેશી સ્પોર્ટ્‍સ લીગમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા બાદ જુનિયર બચ્ચન કહે છે કે ક્રિકેટ માત્ર એક રમત નથી, લોકોને જોડવાનું માધ્યમ પણ છે. ETPL વૈશ્વિક સ્તરે એની લોકપ્રિયતા દર્શાવવા માટેનું આદર્શ પ્લૅટફૉર્મ છે. ઑલિમ્પિક્સ ૨૦૨૮માં ક્રિકેટના સમાવેશ સાથે એની લોકપ્રિયતામાં ઘણો વધારો થશે.

અભિષેક બચ્ચન પ્રો કબડ્ડી લીગમાં જયપુર પિન્ક પૅન્થર્સનો માલિક છે અને ફુટબૉલની ઇન્ડિયન સુપર લીગમાં ચેન્નઇયીન ફુટબૉલ ક્લબનો સહ-માલિક પણ છે.

abhishek bachchan t20 international cricket council europe dubai scotland netherlands ireland cricket news sports news sports