11 March, 2021 11:09 AM IST | Ahmedabad
હાર્દિક પંડ્યા
ભારતીય ટી૨૦ ટીમના વાઇસ કૅપ્ટન રોહિત શર્માએ એવી આશા વ્યક્ત કરી હતી કે આવતી કાલથી ઇંગ્લૅન્ડ સામે શરૂ થનારી ટી૨૦ સિરીઝમાં હાર્દિક પંડ્યા બોલિંગ પણ કરશે. પીઠમાં થયેલી સર્જરીને કારણે ભારતીય ઑલરાઉન્ડર આંતરરાષ્ટ્રીય સિરીઝમાં નિયમિત રીતે બોલિંગ કરતો નહોતો. ઑક્ટોબર ૨૦૧૯માં હાર્દિકના ખભામાં સર્જરી કરવામાં આવી હતી. ત્યાર બાદ તેણે આઇપીએલથી વાપસી કરી હતી. ઑસ્ટ્રેલિયા સામેની મર્યાદિત ઓવરોની સિરીઝમાં તેણે પોતાના બૅટિંગ કૌશલ્યની મદદથી ભારતને મૅચ જિતાડી આપી હતી. જોકે ત્રણ વન-ડે તેમ જ એટલી જ ટી૨૦ મૅચમાં તેણે માત્ર એક જ વખત બોલિંગ કરી હતી.
ઇંગ્લૅન્ડ સામે શુક્રવારથી શરૂ થનારી ટી૨૦ સિરીઝની પહેલી મૅચ પહેલાં રોહિતે કહ્યું હતું કે ‘હાર્દિક પોતાની બોલિંગ અને બૅટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. છેલ્લા દોઢ મહિનાથી તે ભારતીય ટીમ જોડે છે તેમ જ મર્યાદિત ઓવરોની સિરીઝ માટે પોતાને તૈયાર કરી રહ્યો છે. મને એવી આશા છે કે તે ટીમની અપેક્ષા મુજબ પોતાનું પ્રદર્શન કરશે. ટેસ્ટ-સિરીઝમાં વિસ્ફોટક પ્રદર્શન બાદ રિષભ પંતે ટી૨૦ ટીમમાં વાપસી કરી છે. રોહિતે કહ્યું હતું કે ‘પંતે ઑસ્ટ્રેલિયા તેમ જ ઘરઆંગણે પણ સારું પ્રદર્શન કર્યું છે. તેના પર દબાણ કરીને રોકો, અન્યથા કોઈ પણ પરિસ્થિતિ તેને રોકી શકે એમ નથી. હવે તે રમતની પરિસ્થિતિને પણ સમજતો થયો છે.’