સ્ટાર કૉમેન્ટેટર્સે ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ફાઇનલિસ્ટ ટીમોની ભવિષ્યવાણી કરી

03 February, 2025 08:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રવિ શાસ્ત્રી, રિકી પૉન્ટિંગ અને શોએબ અખ્તર જેવા ભૂતપૂર્વ ક્રિકેટર્સ અને સ્ટાર કૉમેન્ટેટર્સે આ ટુર્નામેન્ટની ફાઇનલિસ્ટ ટીમો માટેની ભવિષ્યવાણી શરૂ કરી દીધી છે.

રવિ શાસ્ત્રી, રિકી પૉન્ટિંગ, શોએબ અખ્તર

૧૯ ફેબ્રુઆરીથી પાકિસ્તાનમાં ચૅમ્પિયન્સ ટ્રોફી શરૂ થશે. ટોચની ટીમો વચ્ચેના વન-ડે ફૉર્મેટની આ ચૅમ્પિયન્સ ટ્રોફી જેમ-જેમ નજીક આવી રહી છે એમ-એમ ક્રિકેટજગતમાં રોમાંચ વધી રહ્યો છે. રવિ શાસ્ત્રી, રિકી પૉન્ટિંગ અને શોએબ અખ્તર જેવા ભૂતપૂર્વ ક્રિકેટર્સ અને સ્ટાર કૉમેન્ટેટર્સે આ ટુર્નામેન્ટની ફાઇનલિસ્ટ ટીમો માટેની ભવિષ્યવાણી શરૂ કરી દીધી છે.

ICC રિવ્યુના વિડિયોમાં રવિ શાસ્ત્રી અને રિકી પૉન્ટિંગે 2023ની વન-ડે વર્લ્ડ કપની ફાઇનલિસ્ટ ટીમને જ ચૅમ્પિયન્સ ટ્રોફી જીતવા માટે દાવેદાર માની છે. ઑસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગ કહે છે, ‘ભારત અને ઑસ્ટ્રેલિયાને અવગણવું મુશ્કેલ છે. જરા વિચારો કે બન્ને ટીમ પાસે હાલમાં કેટલા ગુણવત્તાવાળા પ્લેયર્સ છે. જો તમે ઇતિહાસ પર નજર નાખો તો જ્યારે પણ ICC ઇવેન્ટ્સની મોટી ફાઇનલ હોય છે ત્યારે ભારત અને ઑસ્ટ્રેલિયા ક્યાંક ને ક્યાંક રેસમાં આગળ હોય છે.’

રવિ શાસ્ત્રી કહે છે, ‘ભારત અને ઑસ્ટ્રેલિયા હાલમાં શાનદાર ફોર્મમાં છે. આ બન્નેને ટક્કર આપવા માટે અન્ય ટીમોએ ઘણી મહેનત કરવી પડશે.’

પાકિસ્તાનનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર કહે છે, ‘ICC ટુર્નામેન્ટમાં ઑસ્ટ્રેલિયા ખતરનાક અંદાજમાં રમે છે. પાકિસ્તાનનો સામનો સેમી ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે ન થવો જોઈએ. અફઘાનિસ્તાનની ટીમ પણ સેમી ફાઇનલ સુધી પહોંચવા માટે દાવેદાર છે.’

india pakistan champions trophy ravi shastri ricky ponting international cricket council cricket news sports news sports australia