પહેલી વાર પાકિસ્તાનની ધરતી પર શરૂ થઈ રહી છે ચૅમ્પિયન્સ ટ્રોફી

20 February, 2025 07:03 AM IST  |  Lahore | Gujarati Mid-day Correspondent

૧૯ ફેબ્રુઆરીથી ૯ માર્ચ સુધીના ૧૯ દિવસમાં ૧૫ મૅચ બાદ મળશે ચૅમ્પિયન

ચૅમ્પિયન્સ ટ્રોફી

આજથી ભારતના કટ્ટર વિરોધી દેશ પાકિસ્તાનનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) આજથી પહેલી વાર ચૅમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરી રહ્યું છે. છેલ્લે ૧૯૯૬ના વર્લ્ડ કપની યજમાની બાદ પાકિસ્તાન ઑલમોસ્ટ ત્રણ દાયકા બાદ ICC ઇવેન્ટની યજમાની કરી રહ્યું છે. વન-ડે ક્રિકેટના વર્ચસ્વ માટે અને પાકિસ્તાનને આવી મોટી ઇવેન્ટ માટે સુરક્ષિત સાબિત કરવા માટે આ ચૅમ્પિયન્સ ટ્રોફી મહત્ત્વની સાબિત થશે. ૮ વર્ષ બાદ વન-ડે ફૉર્મેટની આ ચૅમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થઈ રહ્યું છે.

કરાચીના નૅશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે રમાનારી ઓપનિંગ મૅચમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી મુખ્ય મહેમાન રહેશે. મૅચ પહેલાં પાકિસ્તાન વાયુસેનાનાં ફાઇટર જેટ ફ્લાયપાસ્ટ કરશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે દરેક ટીમને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા માટે સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચૅરમૅન મોહસિન નકવીએ ભાર મૂક્યો કે ભાગ લેતી બધી ટીમો માટે ઉચ્ચ સ્તરીય સુરક્ષા અને આતિથ્યવ્યવસ્થા કરવામાં આવી છે. અહેવાલ અનુસાર પોલીસ, મિલિટરી, પૅરા-મિલિટરી સહિતના ૧૦,૦૦૦ જવાન સ્ટેડિયમ અને ટીમ-હોટેલની સુરક્ષામાં તહેનાત રાખવામાં આવ્યા છે.

ભારતીય ટીમે જોકે સુરક્ષાનાં કારણસર હાઇબ્રિડ મૉડલ લાગુ કરવાની ફરજ પાડીને પાકિસ્તાનની એકલા હાથે આખી ટુર્નામેન્ટની યજમાની કરવાની ઇચ્છાને મોટું નુકસાન પહોંચાડ્યું છે. દુબઈમાં પોતાની મૅચો રમનારી ભારતીય ટીમ જો ફાઇનલ સુધી પહોંચશે તો પાકિસ્તાન આ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચની યજમાની નહીં કરી શકશે અને અંતિમ મૅચ દુબઈમાં જ રમાશે.

૧૯ ફેબ્રુઆરીથી ૯ માર્ચ સુધીના ૧૯ દિવસમાં ૧૫ મૅચ બાદ આ ટુર્નામેન્ટની ચૅમ્પિયન ટીમ મળશે. ૮ ટીમ બે ગ્રુપમાં વિભાજિત થઈ છે, દરેક ટીમ બે માર્ચ સુધીમાં પોતાની ત્રણ ગ્રુપ-સ્ટેજ મૅચ રમશે. ટૉપ ચાર ટીમ વચ્ચે ચાર અને પાંચમી માર્ચે સેમી ફાઇનલ મૅચ રમાશે. તમામ મૅચ ભારતીય સમય અનુસાર બપોરે ૨.૩૦ વાગ્યાથી શરૂ થશે. ભારતીય ફૅન્સ સ્ટાર સ્પોર્ટ્‍સ નેટવર્ક અને જિયોહૉટસ્ટાર પર આ તમામ મૅચનો આનંદ માણી શકશે.

યજમાન દેશનું લિસ્ટ

૧૯૯૮

બંગલાદેશ

૨૦૦૦

કેન્યા

૨૦૦૨

શ્રીલંકા

૨૦૦૪

ઇંગ્લૅન્ડ

૨૦૦૬

ભારત

૨૦૦૯

સાઉથ આફ્રિકા

૨૦૧૩

ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ

૨૦૧૭

ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ

વિજેતા ટીમનું લિસ્ટ

૧૯૯૮

સાઉથ આફ્રિકા

૨૦૦૦

ન્યુ ઝીલૅન્ડ

૨૦૦૨

ભારત અને શ્રીલંકા

૨૦૦૪

વેસ્ટ ઇન્ડીઝ

૨૦૦૬

ઑસ્ટ્રેલિયા

૨૦૦૯

ઑસ્ટ્રેલિયા

૨૦૧૩

ભારત

૨૦૧૭

પાકિસ્તાન

 

champions trophy international cricket council pakistan new zealand dubai karachi india cricket news sports news sports