30 June, 2023 03:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇંગ્લૅન્ડનો બેન ડકેટ ગઈ કાલે બે રન માટે ત્રીજી ટેસ્ટ-સદી ચૂકી ગયો હતો. તેને હૅઝલવુડે વૉર્નરના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો (તસવીર : પી. ટી. આઇ.)
ઑસ્ટ્રેલિયાના ટોચના બૅટર સ્ટીવ સ્મિથે ગઈ કાલે ઑસ્ટ્રેલિયનોમાં સૌથી ઝડપે ૯૦૦૦ રન પૂરા કર્યા હતા અને પોતાના જ દેશના રિકી પૉન્ટિંગનો વિક્રમ તોડ્યો હતો. સ્મિથ ૧૭૪મી ઇનિંગ્સ રમી રહ્યો છે. આ પહેલાં સૌથી ઓછી ઇનિંગ્સમાં ૯૦૦૦ રન પૂરા કરનારાઓમાં રિકી પૉન્ટિંગ અગ્રેસર હતો, કારણ કે તેણે એટલા રન ૧૭૭ દાવમાં પૂરા કર્યા હતા. વિશ્વના તમામ બૅટર્સમાં કુમાર સંગકારા સૌથી ઓછી ૧૭૨ ઇનિંગ્સમાં ૯૦૦૦ રન પૂરા કરનાર બૅટર છે.
પૉન્ટિંગે ૪૧ સદી ફટકારી હતી, પરંતુ સ્ટીવ સ્મિથે (૧૧૦ રન, ૧૮૪ બૉલ, પંદર ફોર) ગઈ કાલે ૩૨મી સેન્ચુરી પૂરી કરીને સ્ટીવ વૉની બરાબરી કરી હતી.
ઑસ્ટ્રેલિયાના ૪૧૬ બાદ ઇંગ્લૅન્ડનો વળતો જવાબ
ઍશિઝની બીજી ટેસ્ટમાં ગઈ કાલે લૉર્ડ્સમાં બીજા દિવસે ઑસ્ટ્રેલિયાનો દાવ સ્ટીવ સ્મિથના ૧૧૦ રનની મદદથી બનેલા ૪૧૬ રને પૂરો થયા બાદ ઇંગ્લૅન્ડે ઓપનર બેન ડકેટ (૯૮ રન, ૧૩૪ બૉલ, નવ ફોર)ની ઝૅક ક્રૉવ્લી (૪૮ બૉલમાં ૪૮ રન) સાથે ૯૧ રનની ભાગીદારી કરી હતી. ૫૫ ઓવરની રમતમાં ઇંગ્લૅન્ડે ૨૬૦ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી.