16 November, 2024 08:35 AM IST | Chandigarh | Gujarati Mid-day Correspondent
અંશુલ કમ્બોજ
હરિયાણાના ૨૩ વર્ષના ફાસ્ટ બોલર અંશુલ કમ્બોજે ગઈ કાલે કેરલા સામેની રણજી ટ્રોફીની મૅચમાં એક ઇનિંગ્સમાં ૧૦ વિકેટ લઈને તરખાટ મચાવી દીધો હતો. IPL 2024માં મુંબઈ ઇન્ડિયન્સનું પ્રતિનિધિત્વ કરનાર અંશુલે ૩૦.૧ ઓવરમાં ૪૯ રન આપીને બધી ૧૦ વિકેટ લઈ લીધી હતી. રણજી ટ્રોફીમાં આ સિદ્ધિ મેળવનારો તે ત્રીજો અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં છઠ્ઠો ભારતીય બોલર છે.
રણજી ટ્રોફીમાં અંશુલ પહેલાં ૧૯૫૬-’૫૭માં બંગાળના પ્રેમાંગ્સુ ચૅટરજીએ અને ૧૯૮૫-’૮૬માં રાજસ્થાનના પ્રદીપ સુંદરમે આ સિદ્ધિ મેળવી હતી. આ સિવાય સ્પિનરો સુભાષ ગુપ્તે અને અનિલ કુંબલે તથા પેસ બોલર દેબાશિષ મોહંતી પણ એક ઇનિંગ્સમાં દસેદસ વિકેટ લઈ ચૂક્યા છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક ઇનિંગ્સમાં દસેદસ વિકેટ કોઈ બોલરે લીધી હોય એવું આમ તો ૯૦ વાર બન્યું છે; પણ ભારતના અનિલ કુંબલે, ઇંગ્લૅન્ડના જિમ લેકર અને ન્યુ ઝીલૅન્ડના અજાઝ પટેલ જ એવા બોલર છે જેમણે આ સિદ્ધિ ટેસ્ટમૅચમાં હાંસલ કરી છે.
અંશુલે ૨૦૨૨માં ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. આ વર્ષની IPL માટે મુંબઈ ઇન્ડિયન્સે તેને ૨૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો અને તેને છેલ્લે ત્રણ મૅચ રમવા પણ મળી હતી. IPL 2025 માટેની હરાજી થાય એ પહેલાં તે અનકૅપ્ડ રિટેન્શનના લિસ્ટમાં સામેલ હતો, પણ તેને રીટેન નહોતો કરવામાં આવ્યો. હવે રણજી ટ્રોફીના જોરદાર પર્ફોર્મન્સ પછી ૨૪ અને ૨૫ નવેમ્બરની હરાજીમાં જોઈએ તેના માટે કેટલી બોલી લાગે છે.