✕

હૉન્ગકૉન્ગ સિક્સિસમાં પહેલવહેલી વખત ચૅમ્પિયન બન્યું અફઘાનિસ્તાન

02 November, 2026 02:32 PM IST  |  Hong Kong | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયા સામે ૧૧૬ રન ચેઝ કરીને જીત મેળવી, ભારતે ૧૨ ટીમો વચ્ચે ૧૧મો ક્રમ મેળવ્યો

ઑલરાઉન્ડર ગુલબદીન નાયબ સાથે ચૅમ્પિયન બનવાની ઉજવણી કરતા અફઘાનિસ્તાનના પ્લેયર્સ.

હૉન્ગકૉન્ગ સિક્સિસની બાવીસમી સીઝનની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાને ૪ વિકેટે હરાવીને અફઘાનિસ્તાન વિજેતા બન્યું છે. ૧૯૯૨થી રમાતી ૬ ઓવર અને ૬ પ્લેયર્સવાળી આ ટુર્નામેન્ટને આઠમી ચૅમ્પિયન ટીમ મળી છે. ફાઇનલ મૅચમાં ક્રિસ ગ્રીનની આગેવાની હેઠળની કાંગારૂ ટીમે ૬ ઓવરમાં ૧૧૫-૪નો સ્કોર કર્યો હતો. ઑલરાઉન્ડર ગુલબદીન નાયબના નેતૃત્ત્વ હેઠળની અફઘાનિસ્તાન ટીમે ૫.૧ ઓવરમાં બે વિકેટે ૧૧૯ રન કરીને શાનદાર જીત મેળવી હતી. પાકિસ્તાનનો અબ્બાસ આફ્રિદી ૨૧૬ રન ફટકારીને પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યો હતો. પ્લેઑફની મૅચોના રિઝલ્ટના આધારે ત્રીજા ક્રમે સ્કૉટલૅન્ડ, ચોથા ક્રમે UAE, પાંચમા ક્રમે પાકિસ્તાન, છઠ્ઠા ક્રમે ઓમાન, સાતમા ક્રમે હૉન્ગકૉન્ગ, આઠમા ક્રમે શ્રીલંકા, નવમા ક્રમે સાઉથ આફ્રિકા, ૧૦મા ક્રમે ઇંગ્લૅન્ડ, ૧૧મા ક્રમે ભારત અને ૧૨મા ક્રમે બંગલાદેશે સ્થાન મેળવ્યું હતું. ગઈ કાલે ૧૧મા ક્રમ માટેની મૅચમાં ભારતે પાંચ વિકેટે બંગલાદેશને માત આપી હતી. બંગલાદેશના ૧૧૬-૫ના સ્કોર સામે શશાંક સિંહના ૧૫ બૉલમાં ૫૦ રનની મદદથી ભારતે ૬ ઓવરમાં ૧૧૭-૧ના સ્કોર સાથે જીત નોંધાવી હતી.

હૉન્ગકૉન્ગ સિક્સિસમાં કઈ ટીમોએ કયા વર્ષે ટ્રોફી જીતી હતી?

પાકિસ્તાન (૬ વખત): ૧૯૯૨, ૧૯૯૭, ૨૦૦૧, ૨૦૦૨, ૨૦૧૧, ૨૦૨૫

ઇંગ્લૅન્ડ (પાંચ વખત): ૧૯૯૩, ૧૯૯૪, ૨૦૦૩, ૨૦૦૪, ૨૦૦૮

સાઉથ આફ્રિકા (પાંચ વખત): ૧૯૯૫, ૨૦૦૬, ૨૦૦૯, ૨૦૧૨, ૨૦૧૭

શ્રીલંકા (૨ વખત) : ૨૦૦૭, ૨૦૨૪

ઑસ્ટ્રેલિયા (૧ વખત) : ૨૦૧૦

ભારત (૧ વખત) : ૨૦૦૫

વેસ્ટ ઇન્ડીઝ (૧ વખત) : ૧૯૯૬

અફઘાનિસ્તાન (૧ વખત) : ૨૦૨૬

hong kong afghanistan cricket news sports news sports