12 November, 2024 04:29 PM IST | Aizawl | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મિઝોરમના પાટનગર આઇઝોલમાં ૨૩ વર્ષના યુવાને છેતરપિંડીનો ગજબનો કીમિયો અજમાવ્યો હતો, પણ ગુનો ક્યારેય છુપાવી શકાતો નથી એ ન્યાયે પોલીસે ગણતરીના સમયમાં જ તેને પકડી લીધો હતો. આઇઝોલના લુંગલેઈના હૃંગચાલકૉનમાં રહેતા એચ. લાલરોહલુઆ નામના યુવકે સ્ટ્રેઝરી સ્ક્વેરમાં આવેલા મિઝોફેડના પેટ્રોલ પમ્પ પર શનિવારે બપોરે QR કોડ બદલી નાખ્યો હતો. પમ્પના QR કોડને બદલે પોતાના ગૂગલપેનો QR કોડ છપાવીને ચોંટાડી દીધો હતો એટલે પેટ્રોલ ભરાવવા આવનારા લોકો ગૂગલપેથી પેમેન્ટ કરતા ત્યારે પમ્પને બદલે તેના ખાતામાં રૂપિયા જમા થતા હતા. પમ્પને ગરબડની જાણ થઈ એટલે પોલીસને ફરિયાદ કરી. પોલીસે તપાસ કર્યા પછી રવિવારે લાલરોહલુઆને પકડી લીધો હતો. તેણે પોલીસને કહ્યું કે ‘ત્રણ લેવડદેવડમાં મને કુલ ૨૩૧૫ રૂપિયા મળ્યા હતા અને એમાંથી એક ગ્રાહકને ૮૯૦ રૂપિયા પાછા આપ્યા હતા. બાકીના ૧૪૨૫ રૂપિયા મેં વાપરી નાખ્યા છે.’