29 September, 2024 03:51 PM IST | Patna | Gujarati Mid-day Correspondent
મોબાઇલની ટૉર્ચથી મહિલાની ડિલિવરી કરાવવી પડી
સરકાર લોકોને સુવિધા મળે એ માટે કામ કરતી હોય છે, પણ ઘણી વાર એ સુવિધા જ સૌથી મોટી અસુવિધા બની જાય છે. બિહારના હાજીપુરની સરકારી હૉસ્પિટલમાં આવી જ સ્થિતિ સર્જાઈ છે. મુખ્ય પ્રધાન નીતિશ કુમારે ૨૦ દિવસ પહેલાં હૉસ્પિટલના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું, પણ ત્યાં નિયમિત લાઇટ જતી રહેતી હોવાથી મોબાઇલની ટૉર્ચથી મહિલાની ડિલિવરી કરાવવી પડી હતી. એક મહિલાને પ્રસવપીડા ઊપડતાં હાજીપુરની સરકારી હૉસ્પિટલમાં રાતે ૧.૩૦ વાગ્યે લઈ જવાઈ. હૉસ્પિટલમાં ડૉક્ટર અને સ્વાસ્થ્ય કર્મચારી હતા, પણ ત્યાં ઘોર અંધારું હતું. મહિલાની હાલત એટલી ખરાબ હતી કે ડિલિવરી કરાવવી જ પડે એમ હતું. જોકે લાઇટ નહોતી એટલે સ્ટાફે મોબાઇલની ટૉર્ચ ચાલુ કરીને ડિલિવરી કરાવવી પડી હતી. સ્વાસ્થ્ય કર્મચારીએ જ આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં મૂકીને બિહારની સ્વાસ્થ્ય સુવિધાઓની પોલ ખોલી નાખી છે એટલે આરોગ્ય વિભાગની તબિયત બગડી ગઈ છે.