31 July, 2025 02:58 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
માના દૂધની કિંમત અમેરિકામાં બેફામ વધી રહી છે કેમ કે લોકોની જરૂરિયાત ખૂબ ઊંચી છે અને પુરવઠો ખૂબ ઓછો. આ ડિમાન્ડને પહોંચી વળવા માટે અમેરિકાના મિનેસોટામાં રહેતી એમિલી એન્ગર નામની ૩૩ વર્ષની મહિલા ધૂમ કમાણી કરે છે. અમેરિકા અને બ્રિટનમાં હવે લોકો બેબી ફૉર્મ્યુલા મિલ્કને બદલે હ્યુમન મિલ્કને વધુ પ્રેફરન્સ આપી રહ્યા છે. એને કારણે લોકો નવી બનેલી મમ્મીઓ પાસેથી વધારાનું દૂધ ખરીદવામાં છોછ નથી અનુભવતા. મિનેસોટામાં રહેતી એમિલીને પાંચ સંતાનો છે. તેનાં સંતાનોને દૂધ પિવડાવ્યા બાદ પણ એમિલી પાસે દૂધ બચી જતું હતું એટલે તેને બીજા લોકોની હ્યુમન મિલ્કની જરૂરિયાતને પૂરી કરવાની ઇચ્છા થઈ. એમિલી ટીચર છે એટલે શરૂઆતમાં તેને પોતાનું દૂધ વેચવાના વિચાર માટે ખચકાટ હતો. શરૂમાં તેણે પોતાનું દૂધ વેચવાને બદલે એમ જ આપવાનું રાખ્યું હતું, પરંતુ તેને ખબર પડી કે કેટલાક લોકો ફૉર્મ્યુલા મિલ્ક ન ખરીદવું પડે એ માટે થઈને હ્યુમન મિલ્ક લઈ રહ્યા છે ત્યારે તેણે નક્કી કર્યું કે આ જો તેમની જરૂરિયાત નહીં, ચૉઇસ હોય તો તેમણે એ માટે રકમ ચૂકવવી જોઈએ. તેણે પોતાનાં સંતાનોની જરૂરિયાત પૂરી થયા પછી વધારાનું મિલ્ક પમ્પ કરીને સ્ટોર કરવાનું શરૂ કર્યું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર એની જાહેરાત કરીને એને વેચવાનું પણ શરૂ કર્યું. નવાઈની વાત એ છે કે તે મહિનામાં લગભગ ૧૦૦૦ અમેરિકન ડૉલર એટલે કે ૮૭,૦૦૦ રૂપિયા જેટલી કમાણી કરી લે છે.