04 October, 2025 12:23 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
વાત છે જેસ રાઇટ નામની મહિલા અને તેના પતિ ડીજેની
જમાનો બદલાયો છે. હવે પતિએ પણ ઘરનું કામ કરવું જોઈએ અને પત્નીને મદદ કરવી જોઈએ એવું માનવામાં આવે છે. જોકે અમેરિકાની એક મહિલાએ તો પતિ જો ઘરનું કામ ન કરે તો તેની પાસેથી એના પૈસા વસૂલ કરવાનું શરૂ કરી દીધું છે. ઇન્સ્ટાગ્રામ પર આ અનોખી પત્નીની સ્ટોરી વાઇરલ થઈ છે. વાત છે જેસ રાઇટ નામની મહિલા અને તેના પતિ ડીજેની. જેસબહેનનું કહેવું છે કે જ્યારે પણ તેનો પતિ ઘરનાં કામો કરવાનું ભૂલી જાય છે ત્યારે તે તેને દંડ કરે છે. એટલું જ નહીં, તે દર મહિને બાકાયદા બિલ બનાવીને એ પૈસા વસૂલ કરે છે. આ સિલસિલો લગભગ ૪ વર્ષ પહેલાં શરૂ થયો હતો. ડીજે જ્યાં-ત્યાં કપડાં મૂકી દેતો, ઘરની સાફસફાઈ નહોતો કરતો અને ઘણી વાર પત્નીએ ચીંધેલું કામ પણ ભૂલી જતો. બસ, એ પછી જેસબહેને ઘરમાં વ્યવસ્થા જળવાય અને સિસ્ટમ બનેલી રહે એ માટે નિયમો તૈયાર કર્યા છે. દરેક કામ ભૂલી જવા કે ન કરવા પર દંડની યાદી તૈયાર કરી છે. જેમ કે ટૂથપેસ્ટ વૉશ બેસિન પર એમ જ છોડી દેવાનો દંડ છે પાંચ ડૉલર એટલે કે લગભગ ૪૪૦ રૂપિયા. કપડાં ધોવાનું ભૂલી જવા પર ૯૦૦થી ૧૭૦૦ રૂપિયા, બાળકોની કારની સીટ બદલવાનું ભૂલી જવા બદલ ૨૦૦૦થી ૪૪૦૦ રૂપિયા એમ લાંબી દંડની યાદી તૈયાર કરી છે. આ કામોની યાદી બનાવીને એનું બિલ બનાવે ત્યારે જેસને મહિને લગભગ ૨૫૦૦થી ૫૩,૦૦૦ રૂપિયા સુધીનું બિલ ચૂકવવું પડ્યું હોય એવું બન્યું છે. જોકે પતિદેવ ડીજેને એનો વાંધો નથી. ડીજે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટર છે. તેનું કહેવું છે કે ભલે આ રીત કોઈકને અજીબ લાગે, પણ એનાથી લડાઈ-ઝઘડા ઘટી ગયા છે. શરૂઆતમાં મને બહુ હેરાનગતિ લાગતી, પણ હવે મને લાગે છે કે આ સારું છે. જેસ હવે મારા પર ચિલ્લાતી નથી. બસ, બિલ બનાવી દે છે અને હું ચૂકવી દઉં છું અને વાત ત્યાં જ ખતમ થઈ જાય છે.