06 April, 2024 02:57 PM IST | London | Gujarati Mid-day Correspondent
જૉન ટાઇનીસવુડ
જૉન ટાઇનીસવુડ નામની બ્રિટિશ વ્યક્તિ હવે વિશ્વના સૌથી વયોવૃદ્ધ માણસ બની ગયા છે. તેમની ઉંમર ૧૧૧ વર્ષ છે. બ્રિટનના મર્સીસાઇડ નામના ટાઉનમાં રહેતા જૉનઅંકલે બીજા વિશ્વયુદ્ધમાં સૈનિક તરીકે ભાગ લીધો હતો. અત્યાર સુધી વેનેઝુએલાના વતની ૧૧૪ વર્ષના જુઆન પેરેઝના નામે વિશ્વની સૌથી વયોવૃદ્ધ વ્યક્તિનો રેકૉર્ડ હતો, પણ ત્રણ દિવસ પહેલાં જ તેમનું અવસાન થયું હતું. જુઆન પેરેઝના મૃત્યુ બાદ જપાનના ૧૧૨ વર્ષના ગીસાબુરો સોનેબે ઓલ્ડેસ્ટ પર્સન ઑન અર્થ બનવાના હતા, પણ માર્ચમાં તેમનું પણ નિધન થયું હતું. દરમ્યાન આવતી ૧૨ ઑગસ્ટે જૉન ટાઇનીસવુડ ૧૧૨ વર્ષના થશે. ૧૯૧૨માં તેમનો જન્મ થયો હતો. આ જ વર્ષે ટાઇટૅનિકે એની કમનસીબ સફર શરૂ કરી હતી. ૨૦૨૦ના સપ્ટેમ્બરમાં તેઓ બ્રિટનની સૌથી વૃદ્ધ વ્યક્તિ બન્યા ત્યારે કિંગ ચાર્લ્સે તેમને ખાસ પત્ર લખ્યો હતો. ટાઇનીસવુડનાં લગ્ન ૧૯૪૨માં થયાં હતાં. ૧૯૮૬માં તેમનાં પત્નીનું નિધન થયું હતું. લાંબું જીવવા માટેનો મંત્ર આપતા જૉનઅંકલ કહે છે કે ‘આખો દિવસ ખુરસીમાં બેસી રહેવું ઠીક નથી. જીવનમાં સતત ‘મૂવ ઑન’ થતા રહેવું જોઈએ. ક્યારેય બહુ બધું ખાવાનું નહીં અને બહુ પીવાનું પણ નહીં.’ એક ટીવી-ચૅનલને આપેલી મુલાકાતમાં તેમણે જીવન પ્રત્યેનો પ્રેમ, રમૂજવૃત્તિ અને કોઈ પણ સ્થિતિમાં ટકી રહેવાની ઇચ્છાશક્તિ એ ત્રણને લાંબી આવરદાના પોતાના મૂળ મંત્ર ગણાવ્યા હતા.