21 December, 2022 12:11 PM IST | London | Gujarati Mid-day Correspondent
બ્રિટનના દંપતી લોરા મેસી અને સ્ટીવ મેસી
પહેલી ડિસેમ્બરે બ્રિટનના દંપતી લોરા મેસી અને સ્ટીવ મેસીએ બર્લિનના બ્રૉન્ડેનબર્ગ ગેટ સુધી હિમવર્ષામાંથી પસાર થઈને પહોંચ્યા હતા. તેમણે અંદાજે ૧૮૦ દિવસમાં સાઇકલ પર વિશ્વની પ્રદક્ષિણા કરી હતી. તેમણે પાંચમી જૂને ૨૧ દેશમાં અંદાજે ૨૮,૯૬૮ કિલોમીટરની મુસાફરી કરી હતી. બર્લિનમાં તેમના મિત્રો અને પરિવારજનો બૅનર લઈને તેમને આવકારવા આવ્યા હતા. ૨૦૧૫માં એક બિયર ફેસ્ટિવમાં વેટરિનરી સર્જ્યન લોરા સ્ટીવને મળી હતી ત્યારે તે ક્યારે રેકૉર્ડ બ્રેકિંગ ટેન્ડમ સાઇકલ પ્રવાસ પર જશે એવું નહોતું વિચાર્યું. ટેન્ડમ સાઇકલમાં આગળની વ્યક્તિને કૅપ્ટન તો પાછળ બેસીને સાઇકલ ચલાવનારને સ્ટોકર કહેવાય છે. ૨૦૨૦૨માં દંપતીએ કેટ ડિક્સન અને રાઝ માર્સડેન વિશે વાંચ્યું હતું. તેમણે ટેન્ડમ સાઇકલ પર સૌથી ઝડપી પરિક્રમા કરવાનો રેકૉર્ડ કર્યો હતો. દંપતીને ખબર પડી કે અત્યાર સુધી પુરુષ તેમ જ મહિલાની ટીમ માટેના રેકૉર્ડ હતા, પણ મિક્સ ટીમનો કોઈ રેકૉર્ડ નહોતો. રેકૉર્ડ માટે કોઈ એક દિશામાં ૨૯,૦૦૦ કિલોમીટર સાઇકલ ચલાવવાની હતી. ટેન્ડમ સાઇકલને બે ભાગમાં વિભાજિત કરી શકાય છે અને એની કિંમત ૮૦૦૦ પાઉન્ડ (અંદાજે ૮ લાખ રૂપિયા) થાય છે. આ દંપતીએ પોતાનો પ્રવાસ બર્લિનથી શરૂ કરીને ચેક રિપબ્લિક ઑસ્ટ્રિયા, સ્લોવેકિયા, હંગેરી, રોમાનિયા, બલ્ગેરિયા અને ટર્કી ગયા હતા. તેઓ દરરોજ ૧૦ કલાક સાઇકલ ચલાવતા હતા. અઝરબૈજાનમાં જવાની તેમની યોજના હતી, પણ સરહદના નિયંત્રણને કારણે સીધા ફ્લાઇટ દ્વારા ભારત આવ્યાં હતાં. મલેશિયામાં તેમને એક અકસ્માત પણ નડ્યો હતો. ઑગસ્ટમાં તેઓ સિંગાપોર પહોંચ્યાં હતાં. ત્યાંથી તેઓ ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડના ડનેડિન પણ ગયાં હતાં.