15 November, 2024 01:48 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કુંભના મેળામાં ખોવાયેલાં સંતાનો મોટાં થઈને પાછાં મળી જાય, હૉસ્પિટલમાં બાળકોની અદલાબદલી થઈ જાય એવી ફિલ્મોમાં જોવા મળે એવી સ્ટોરી વિયેટનામના હો ચી મિન્હ શહેરમાં બની છે. એક યુવાનની દીકરી લૅન નાનપણથી જ સુંદર હતી, પણ કિશોરવયની થઈ ત્યારે તેની સુંદરતા ઑર વધી ગઈ. પિતાને ચિંતા થવા લાગી, પણ એનાથી વધારે શંકા થવા માંડી. તેને એવું લાગતું હતું કે દીકરી અતિશય સુંદર છે. માતા કે પિતા બન્નેમાંથી એકેય જેવી લાગતી નથી. આ શંકા એટલી દૃઢ થઈ કે તેણે DNA ટેસ્ટ કરાવવાનું નક્કી કરી લીધું. ટેસ્ટ કરાવી અને જે પરિણામ આવ્યું એનાથી પરિવાર સ્તબ્ધ થઈ ગયો. તે તેનો જૈવિક પિતા ન હોવાનું જાણીને તેને આઘાત લાગ્યો. તેને પત્ની પર શંકા ગઈ. તે પત્ની અને દીકરીથી અંતર રાખવા લાગ્યો અને છેવટે ઝઘડા શરૂ થયા. પરિણામે માતા હોંગ દીકરી લૅનને લઈને હેનોઇ શહેરમાં રહેવા જતી રહી. કહાની મેં બીજો ટ્વિસ્ટ અહીં આવ્યો. લૅનને જે સ્કૂલમાં ઍડ્મિશન મળ્યું ત્યાં એક છોકરી તેની બહેનપણી બની ગઈ. બન્નેની જન્મતારીખ તો એક જ નીકળી, પણ બન્નેનો એક જ હૉસ્પિટલમાં જન્મ થયો હતો એવી પણ ખબર પડી. બન્ને છોકરીની ગાઢ મિત્રતાને કારણે બન્નેના પરિવાર પણ મળવા લાગ્યા. બન્ને પરિવારે બેય છોકરીનો જન્મદિવસ સાથે ઊજવ્યો ત્યારે લૅન અને તેની બહેનપણીની મમ્મી વચ્ચે ગજબનું સામ્ય જોવા મળ્યું. એ પછી આખી વાત જાણવા મળી કે હૉસ્પિટલમાં ગરબડ થઈ હશે અને છોકરીઓ બદલાઈ ગઈ હશે.