05 January, 2025 05:45 PM IST | Chennai | Gujarati Mid-day Correspondent
GSTની નોટિસ
તામિલનાડુમાં એક પાણીપૂરી વેચનારાને એક નાણાકીય વર્ષમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) દ્વારા ૪૦ લાખ રૂપિયાની આવક થઈ હોવાથી ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) વિભાગે નોટિસ ફટકારી છે અને તેને તમામ દસ્તાવેજ સાથે ઑફિસમાં ઉપસ્થિત રહેવા જણાવ્યું છે.
GSTની નોટિસની તસવીરો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે. લોકો આ નોટિસના મુદ્દે પણ જાત-જાતની કમેન્ટ કરી રહ્યા છે.
GST વિભાગે આ પાણીપૂરી વેચનારાની ત્રણ વર્ષની રેઝરપે અને ફોનપે રિસીટની ચકાસણી કરી હતી. આ પાણીપૂરી વેચનારાએ પોતાને તામિલનાડુ GST કે સેન્ટ્રલ GSTમાં રજિસ્ટર કરાવ્યો નથી. સેલ્સ ટૅક્સ ઑફિસરોએ કહ્યું હતું કે ‘૨૦૨૩-’૨૪માં તેને ૪૦,૧૧,૦૧૯ રૂપિયાનું પેમેન્ટ UPIથી મળ્યું છે. બિઝનેસ કરવા માટે જે મિનિમમ છૂટ અપાય છે એના કરતાં બમણી આવક તેને આ રીતના પેમેન્ટથી થઈ છે. ૨૦૨૪ની ૧૭ ડિસેમ્બરે તેને મોકલવામાં આવેલી નોટિસમાં તેને તમામ દસ્તાવેજ સાથે બોલાવવામાં આવ્યો છે.’
આ પોસ્ટના મુદ્દે એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટે હિસાબ લખતાં કહ્યું છે કે ‘પાણીપૂરીવાળો રોજ વ્યવસાય કરતો હોય તો ૪૦ લાખ રૂપિયાના હિસાબે તેનું એક દિવસનું વેચાણ ૧૧,૦૦૦ રૂપિયા થાય. ઍવરેજ ૪૦ રૂપિયાની પ્લેટ ગણવામાં આવે તો તે રોજ ૨૭૦ પ્લેટ પાણીપૂરી વેચતો હશે. તમામ ખર્ચ કાઢીને તેને સહેજે ૨૦ લાખ રૂપિયાનો નફો થતો હશે.’