07 April, 2025 12:19 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડીયોનો સ્ક્રીનગ્રેબ
ચીનના ફોશાન શહેરમાં રહેતા ૩૦ વર્ષના ચેનભાઈ આમ તો રિટાયર્ડ બૉક્સર છે. જોકે તેમણે પોતાના ઘરમાં એક અસામાન્ય કહેવાય એવું પ્રાણી પાળતુ બનાવીને રાખ્યું છે. ભેંસ એક એવું પ્રાણી છે જે તબેલામાં રહી શકે, પણ ઘરના વાતાવરણમાં નહીં. જોકે ચેનભાઈ લગભગ ચાર મહિનાથી ભેંસના બચ્ચાને ઘરમાં પાળેલા પ્રાણીની જેમ રાખે છે. એને કારણે એ વિસ્તારમાં ચેન અને તેનું પાળેલું ભેંસનું બચ્ચું ઓવરનાઇટ ફેમસ થઈ ગયાં છે.
આમ તો તેણે ડૉગ પાળવાનું જ પ્લાનિંગ કરેલું, પણ તેણે વિચાર્યું કે એવું પ્રાણી પાળવું જે તેને સતત રિમાઇન્ડ કરે કે જીવનનાં ધ્યેય મેળવવા માટે વધુ મહેનત કરવાની જરૂર છે. ભેંસનું બચ્ચું તેને આ માટે પર્ફેક્ટ લાગ્યું. ભેંસના બચ્ચાને ઘરે લઈ આવ્યા ત્યારે તો વાંધો ન આવ્યો, પણ પછી જેવું બચ્ચું સહેજ મોટું થવા લાગ્યું કે સમસ્યાઓ વધવા લાગી છે. તે ભેંસનું બહુ ધ્યાન રાખે છે. રોજ નવડાવે છે અને નવાં કપડાં પહેરાવે છે. ઘરમાં એના માટે ખાસ જગ્યા બનાવી છે અને સાંજે વૉક કરવા પણ લઈ જાય છે. હાથથી ભેંસને ખવડાવે પણ છે. જોકે એમ છતાં ભેંસનાં તોફાનોને કારણે તેને ભાડેથી ઘર મેળવવામાં તકલીફ પડી રહી છે. જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં ચેનભાઈએ બે ભાડાનાં ઘર બદલી નાખ્યાં છે અને હવે ફરીથી ઘરના માલિકે તેને ભેંસ સાથે ઘર ખાલી કરી દેવાની નોટિસ આપી દીધી છે. જોકે ચેનનું કહેવું છે કે હવે હું ભેંસને છોડી નહીં શકું કેમ કે મને ઇમોશનલ અટૅચમેન્ટ થઈ ગયું છે.