25 November, 2026 06:58 PM IST | Poland | Gujarati Mid-day Correspondent
આખા શરીરે આગ લગાવીને ૧૭૩ મીટરની ઝિપલાઇન પાર કરી પોલૅન્ડના સ્ટૅનિસ્લૅવ માદેજ નામના સ્ટન્ટમૅને
પોલૅન્ડના સ્ટૅનિસ્લૅવ માદેજ નામના સ્ટન્ટમૅને આગ સાથે ઝિપવાયર ક્રૉસ કરવાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. આ સ્ટન્ટ જોવામાં એટલો ડરામણો હતો કે જોનારાઓનાં હૃદય પણ ઘડીભર માટે થંભી ગયાં હતાં. સ્ટૅનિસ્લૅવે પહેલાં શરીર પર આગ લગાવી અને પછી ઝિપલાઇન થકી ૧૭૩ મીટરનું અંતર પાર કર્યું. સામાન્ય રીતે ઝિપલાઇન પર સરકવાથી ઑક્સિજન સાથે વધુ ઘર્ષણ થાય છે અને આગ વધુ તીવ્રતા પકડે છે એટલે આ સ્ટન્ટ ખૂબ જોખમી કહેવાય છે. એમ છતાં સ્ટન્ટમૅને એક આખું ફુટબૉલ ગ્રાઉન્ડ જેટલું અંતર ઝિપલાઇન પર સળગતી અવસ્થામાં પાર કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. આ સ્ટન્ટ માટે પોલૅન્ડના એક કૉમ્પ્લેક્સમાં ખાસ ૧૮૦ મીટરની ઝિપલાઇન તૈયાર કરવામાં આવી હતી. ૪૩ વર્ષનો સ્ટૅનિસ્લૅવ ૧૦ વર્ષોથી એક ઝિપલાઇન ઑપરેટ કરવાનું કામ કરે છે. આ કામની દસમી વર્ષગાંઠ નિમિત્તે તેણે આ સ્ટન્ટ કર્યો હતો. સ્ટન્ટ દરમ્યાન તેણે ફાયર માટેનાં ખાસ પ્રોટૅક્ટિવ ગિયર્સ પહેર્યાં હતાં.