હરિદ્વારમાં ગંગાની કનૅલ બંધ કરતાં ૧૮૫૦ની સાલની રેલવેલાઇન મળી

20 October, 2024 10:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ રેલવે-ટ્રૅક ૧૮૫૦માં અંગ્રેજોએ બનાવ્યો હોવાનું ઇતિહાસકારો કહે છે

આ ટ્રૅક હરિદ્વારના અત્યારના રેલવે-સ્ટેશનથી ૩ કિલોમીટર દૂર મળ્યો છે

હરિદ્વારમાં ગંગા નદીની કનૅલ બંધ કરવામાં આવતાં એના પટમાંથી રેલવેલાઇન મળી આવી હતી. આ રેલવે-ટ્રૅક ૧૮૫૦માં અંગ્રેજોએ બનાવ્યો હોવાનું ઇતિહાસકારો કહે છે. હર કી પૌડી પાસે નદીના પેટાળમાંથી રેલવેલાઇન નીકળતાં ત્યાં રહેતા લોકો આશ્ચર્ય અનુભવી રહ્યા છે. આ ટ્રૅક હરિદ્વારના અત્યારના રેલવે-સ્ટેશનથી ૩ કિલોમીટર દૂર મળ્યો છે. ૧૮૫૦માં ગંગા કનૅલ બનાવાઈ હતી અને એ સમયે આ ટ્રૅક પણ બનાવાયો હશે એવી ચર્ચાઓ લોકો કરી રહ્યા છે. જોકે ત્યાંના લોકોનું કહેવું એમ પણ છે કે કનૅલનું બાંધકામ કરવા માટે હાથલારીમાં સામાન લાવવા-લઈ જવા માટે આ ટ્રૅક બનાવાયો હશે. ઇતિહાસના પ્રોફેસર ડૉ. સંજય માહેશ્વરીએ આ વાતો કાલ્પનિક નહીં, પણ સાચી હોવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે બ્રિટિશ સરકારના લૉર્ડ ડેલહાઉઝી માટે કનૅલ પ્રોજેક્ટ બહુ મહત્ત્વનો હતો.

haridwar ganga offbeat news national news