28 May, 2021 10:29 AM IST | England | Gujarati Mid-day Correspondent
મકાન પત્તાંના મહેલની જેમ જમીનદોસ્ત થઈ ગયું
ગુજરાતીમાં કહેવત છેને કે ‘કાગનું બેસવું ને ડાળનું પડવું’. એવી એક ઘટના ઇંગ્લૅન્ડમાં તાજેતરમાં બની. કાંઠાળ ક્ષેત્રના ડોર્સેટ પ્રાંતના ક્રાઇસ્ટચર્ચ શહેરના પરાના હાઇડ મ્યુ વિસ્તારની આ અનોખી ઘટના સોશ્યલ મીડિયા પર મશહૂર થઈ છે. ડોરબેલ કૅમેરામાં ઝડપાયેલી ઘટનામાં એક માણસ હાઉસિંગ કૉલોનીના રસ્તા પર બરાબર એક મકાન પાસેથી પસાર થતો હતો ત્યારે જ એ મકાન પત્તાંના મહેલની જેમ જમીનદોસ્ત થઈ ગયું હતું. વિડિયોમાં કેદ ઘટના જોઈને નેટિઝન્સ દંગ રહી જાય છે, કારણ કે માણસનું ત્યાંથી પસાર થવું અને મકાનની દીવાલોનું પડવું એ બન્ને બાબતો સમાંતર ધોરણે બનતી હતી. ત્યાંથી પસાર થઈ ગયા પછી એ માણસના ચહેરા પર કોઈ હાવભાવ નહોતા. તે એકદમ સ્તબ્ધ થઈ ગયો હતો. યોગાનુયોગ આ ઘટનામાં જાનહાનિ નહોતી થઈ, પરંતુ એક કારને નુકસાન થયું હતું.