21 March, 2021 03:18 PM IST | America | Gujarati Mid-day Correspondent
વિદ્યાર્થીએ શિક્ષકને આપી અનોખી ભેટ
જીવનમાં આપણને સહાય કરનાર વ્યક્તિને વળતર ચૂકવવું એ જીવનનાં મૂળભૂત મૂલ્યોમાંનું એક છે. પ્રત્યેક વ્યક્તિના જીવનમાં શિક્ષક મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. શિક્ષક આપણને દુનિયાને જોવાની એક વિશાળ અને સમજદારીભરી નજર આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. માતા-પિતા પછી જીવનમાં શિક્ષક સૌથી ઊંચું સ્થાન ધરાવે છે. દાયકાઓ સુધી સ્કૂલમાં વિદ્યાર્થીઓને શિક્ષિત કરનારા અમેરિકાના જોસ વિલારેલ કોવિડ-19ની મહામારી દરમ્યાન કારમાં રહ્યા હતા. વાસ્તવમાં કોવિડ-19નો પ્રસાર વધતાં વિશ્વભરમાં લૉકડાઉન લાગુ થતાં સ્કૂલનું શિક્ષણ ઑનલાઇન કરાયું હતું, જેને કારણે ૭૭ વર્ષના જોસ વિલારેલે રાજીનામું આપવું પડ્યું હતું.
એક વેળાના તેમના સ્ટુડન્ટ નાવાએ તેમને કારમાં રહેતા જોયા અને તેમને ૩૦૦ ડૉલર (આશરે ૨૨,૦૦૦ રૂપિયા) આપ્યા અને ત્યાર બાદ સોશ્યલ મીડિયા પર ગો-ફન્ડ-મી પેજ શરૂ કર્યું તથા ટિકટૉક પર એની જાહેરાત પણ કરી. જોતજોતામાં આશરે ૨૭,૦૦૦ પાઉન્ડ (આશરે ૧૯ લાખ રૂપિયા) એકઠા થઈ ગયા.