30 December, 2024 04:04 PM IST | Bhubaneswar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઓડિશાના બાલાસોર જિલ્લાના બસ્તા ગામના એક દંપતી પર આરોપ લાગ્યો છે કે તેમણે સૈનકુલા ગામના એક નિઃસંતાન દંપતીને ૬૦,૦૦૦ રૂપિયામાં પોતાનો નવ દિવસનો દીકરો વેચી નાખ્યો છે. એવું કહેવાય છે કે આ પૈસાથી દીકરાનાં અસલી મમ્મી-પપ્પાએ એક મોટરબાઇક ખરીદી હતી. અલબત્ત, આ દંપતીનું કહેવું છે કે આ આરોપ ખોટો છે. તેમણે નવ દિવસનો દીકરો વેચ્યો નથી, પણ ગરીબીને કારણે બાળકનું પાલનપોષણ કરી શકે એમ ન હોવાથી નિઃસંતાન દંપતીને દીકરો દાન કરી દીધો હતો. કોઈકે આપેલી ગુપ્ત માહિતીના આધારે પોલીસ અને બાળકલ્યાણ સમિતિની સંયુક્ત ટીમે શનિવારે આ બાળકને બચાવ્યું હતું. બાળક લેનાર અને વેચનાર બન્ને દંપતીનો દાવો હતો કે આ માટે તેમણે કોઈ પૈસાની લેવડદેવડ નથી કરી.