24 November, 2026 07:50 PM IST | Meerut | Gujarati Mid-day Correspondent
વાળમાં કલર કરાવ્યા એટલે ભડકેલા પતિએ પત્નીની ચોટલી જ કાપી નાખી
ઉત્તર પ્રદેશના મેરઠમાં એક ઘરેલુ હિંસાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાએ પોતાના પતિ અને સાસરિયાંઓ પર મારપીટ કરીને વાળ કાપી નાખવાનો આરોપ લગાવ્યો છે. મહિલાનું કહેવું છે કે તેણે વાળમાં કલર કરાવ્યો હતો એનાથી પતિ નારાજ થઈ ગયો હતો. પતિ હંમેશાં તેના પર શંકા કરતો રહેતો હતો અને મારપીટ પણ કરતો હતો. જોકે વાળમાં કલર કરાવ્યા એનાથી ભડકેલા પતિએ તેની ચોટલી કાપી નાખી હતી. ઘરમાં શોરબકોર થતો જોઈને પાડોશીઓએ પોલીસને સૂચના આપી હતી અને પોલીસની ટીમે ઘટનાસ્થળે જઈને મહિલાને બચાવી હતી. કાપેલી ચોટલી સાથે મહિલાએ ફરિયાદ નોંધાવતાં કહ્યું હતું, ‘મારા વાળનો રંગ જોઈને પતિ ખૂબ ભડકી ઊઠ્યો હતો. તેણે મારાં સાસરિયાંઓની સાથે મળીને મારી સાથે મારપીટ કરી હતી અને એ જ વખતે ચાકુ લઈને મારા વાળ કાપી નાખ્યા હતા. મારું ગળું દબાવવાની કોશિશ પણ કરી અને મેં પ્રતિકાર કર્યો તો ઍસિડ છાંટવાની ધમકી આપી હતી.’