07 July, 2024 10:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
સાપ પાળવાની વાત અલગ છે, પણ ઝેરી કોબ્રા પાળવા માટે જિગર જોઈએ. આમ જોઈએ તો કોબ્રા બહુ શાંત પ્રજાતિ કહેવાય છે. છંછેડો નહીં તો કરડે નહીં. જોકે એમ છતાં એની સાથે મસ્તી કરવાની હિંમત બહુ ઓછા લોકોમાં હોય છે. સોશ્યલ મીડિયા ‘ઍક્સ’ પર @AMAZlNGNATURE નામના અકાઉન્ટ પર એક રૂંવાડાં ખડાં કરી દે એવો વિડિયો શૅર થયો છે. એમાં એક ભાઈ કિંગ કોબ્રાને નવડાવે છે એટલું જ નહીં, શૅમ્પૂ લઈને એને ચોળે પણ છે. સાપને ગરમીની સીઝનમાં નાહવું ગમતું હોય છે. સરિસૃપ વર્ગનાં પ્રાણીઓ જમીન પર ઢસડાતાં હોવાથી તેમના શરીરે ખૂબ કચરો જામી જાય છે અને ગરમીના દિવસોમાં તેમના શરીરમાંથી દુર્ગંધ પણ આવે છે. જોકે સાપના ગંધ મારતા શરીરને સુગંધિત શૅમ્પૂથી સાફ કરવાનું જિગર ધરાવતો આ માણસ કોણ છે એ જાણવાની લોકોમાં ઉત્સુકતા વધી ગઈ છે.