19 November, 2024 04:40 PM IST | Kerala | Gujarati Mid-day Correspondent
ઍમ્બ્યુલન્સને રસ્તો ન આપનારા કારચાલકને પોલીસે બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો
ગમે એટલો ટ્રાફિક હોય તો પણ ઍમ્બ્યુલન્સ આવે તો લોકો માનવતાના ધોરણે રસ્તો ખાલી કરી આપે છે, પણ કેટલાક લોકો અવળચંડાઈની હદ વટાવી દે છે. કેરલામાં આવી એક ઘટના બની છે. એક ઍમ્બ્યુલન્સમાં ગંભીર સ્થિતિમાં દરદીને હૉસ્પિટલ લઈ જવાતો હતો. ઍમ્બ્યુલન્સની સાઇરન વાગતી જ હતી, સાથોસાથ ડ્રાઇવર પણ રસ્તો ખાલી કરવા સતત હૉર્ન વગાડતો રહ્યો હતો. કેટલાક વાહનચાલકોએ રસ્તો ખાલી કરી આપ્યો પણ એક મારુતિ કારના ચાલકને જાણે સાઇરન કે હૉર્ન સંભળાતાં જ ન હોય એમ રસ્તાની વચ્ચોવચ કાર ચલાવ્યા કરતો હતો. આ ઘટના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કેદ થઈ ગઈ. એ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો અને પોલીસ સુધી પહોંચી ગયો. પોલીસે તાત્કાલિક પગલાં લીધાં. કારચાલકનું નામ-સરનામું શોધીને પોલીસ તેના ઘરે પહોંચી ગઈ અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ રદ કરી નાખ્યું.