05 March, 2026 04:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભલા કોઈ કીમતી રત્નો જડીને ફૂગથી સડેલાં ફળ બનાવે?
કલાકારો કેટલીક ચીજો તેમની ધૂનકી માટે જ કરતા હોય છે. કલાકારો હંમેશાં સુંદર, મનમોહક વર્ક જ તૈયાર કરતા હોય એવું નથી. કેટલાક કલાકારોને રિયલિસ્ટિક લાગે એવી બગડેલી ચીજો બનાવવામાં પણ એટલો જ આનંદ આવતો હોય છે. કૅથલિન રયાન નામની એક કલાકારે એવાં ફળોની રેન્જ તૈયાર કરી છે જે લિટરલી લીલી, સફેદ અને કાળી ફૂગથી સડી ગયેલાં હોય એવાં લાગે છે. એ સડો એવો દેખાય છે કે ભલભલાને જોતાં જ ઊબકા આવી જાય. જોકે આ આર્ટવર્કની થોડીક નજીક જાઓ તો ખબર પડે કે એ બહુ કીમતી રત્નોથી જડેલું આર્ટવર્ક છે. કૅથલિને બૅડ ફ્રૂટ નામની સિરીઝ તૈયાર કરી છે જેમાં અલગ-અલગ ફળો સડી ગયાં હોય તો કેવાં દેખાય એવાં શિલ્પ બનાવવામાં આવ્યાં છે. ફળોનો બેઝ ફોમ બેઝ પર બનાવાય છે અને એના પર અલગ-અલગ રંગનાં ચમકીલાં બારીક રત્નોની ગોઠવણીથી એવો આભાસ ઊભો કરવામાં આવે છે કે જાણે એ સડેલું ફળ હોય. ભલા કોઈ સડેલા ફળનું આર્ટવર્ક કેમ પસંદ કરે? કચરો દેખાડવા માટે કોઈ રત્નોનો ઉપયોગ કેમ કરે? તો આનો જવાબ આપતાં કૅથલિન કહે છે કે ખરાબ થયેલી ચીજોમાં પણ સુંદરતા છે એ સમજાવવા માટે તેણે બૅડ ફ્રૂટ નામની સિરીઝ તૈયાર કરી છે.