13 April, 2025 06:01 PM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
દુકાને જાહેરાત કરેલી કે ૧ રૂપિયામાં કોઈ પણ શર્ટ કે ટી-શર્ટ લઈ જાઓ
હૈદરાબાદના સૈદાબાદ વિસ્તારમાં ‘એ. એસ. ટ્રેન્ડિંગ ફૅશન્સ’ નામની એક દુકાને વર્ષગાંઠ નિમિત્તે લોકોને આકર્ષવા અને કંઈક અવનવો શૉપિંગ એક્સ્પીરિયન્સ આપવા માટે અનોખી જાહેરાત કરી. દુકાને જાહેરાત કરેલી કે ૧ રૂપિયામાં કોઈ પણ શર્ટ કે ટી-શર્ટ લઈ જાઓ. બસ, એ વાંચીને એટલી ભીડ ઊમટી પડી કે કેટલાક લોકો તો એક રૂપિયો પણ આપ્યા વિના કપડાં લઈને ભાગવા લાગ્યા. આખરે પોલીસને બોલાવવી પડી. આ દુકાન પુરુષોનાં કપડાં વેચે છે. પહેલી વર્ષગાંઠ નિમિત્તે દુકાનદારે પુરુષોને અહીં કપડાં લેવા આકર્ષવા માટે આ જાહેરાત કરેલી. માત્ર સ્ત્રીઓને જ સેલ ગમે છે એવું નથી. સસ્તું મળે તો પુરુષો પણ એ લેવા પડાપડી કરે છે. સસ્તામાં મળતાં કપડાં લેવા પુરુષોએ જે ભીડ લગાવી એને નિયંત્રિત કરવા આખરે પોલીસે દુકાન બંધ કરાવી દીધી.