પતિએ ગુસ્સામાં પત્નીને હોઠ પર બચકું ભરીને લોહીલુહાણ કરી નાખી, ૧૬ ટાંકા આવ્યા

26 January, 2025 04:03 PM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

મહિલા બોલી શકતી ન હોવાથી પોલીસને તેણે આખો બનાવ અને પોતાની આપવીતી લખીને જુબાની આપી છે. કોઈ ઘરેલુ મુદ્દા પર તેમની વચ્ચે ઝઘડો થયો હતો.

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશના મથુરાના એક ગામમાં ઘરેલુ હિંસાનો ગજબ બનાવ પોલીસ સમક્ષ આવ્યો હતો. ગામમાં રહેતી એક મહિલા શુક્રવારે પોતાના ઘરમાં કામ કરી રહી હતી ત્યારે અચાનક તેનો પતિ વિષ્ણુ ઘરે આવ્યો અને એલફેલ બોલીને ઝઘડો કરવા માંડ્યો. મહિલાએ વિરોધ કર્યો તો પતિએ મારઝૂડ શરૂ કરી અને અચાનક પત્નીના નીચેના હોઠ પર બચકું ભરીને તેને લોહીલુહાણ કરી નાખી. દર્દમાં કણસતી મહિલાની ચીસ સાંભળીને તેની બહેન આવીને ઝઘડામાં વચ્ચે પડી તો બનેવીએ તેની પણ મારઝૂડ કરી. તેમણે ઘરમાં સાસરિયાંને ફરિયાદ કરી તો સાસુ અને દિયરે પણ ગાળો આપીને તેની મારઝૂડ કરી. એ પછી મહિલાને ડૉક્ટર પાસે લઈ જવાઈ હતી. મહિલાને હોઠ પર ૧૬ ટાંકા લેવા પડ્યા છે અને તેના પિતાએ ફરિયાદ નોંધાવી છે. મહિલા બોલી શકતી ન હોવાથી પોલીસને તેણે આખો બનાવ અને પોતાની આપવીતી લખીને જુબાની આપી છે. કોઈ ઘરેલુ મુદ્દા પર તેમની વચ્ચે ઝઘડો થયો હતો. 

uttar pradesh mathura relationships national news news offbeat news