02 October, 2026 09:16 PM IST | Varanasi | Gujarati Mid-day Online Correspondent
સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટ
વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પરથી દુબઈ જતી ફ્લાઇટ એક મુસાફર પોતાની બેદરકારીને કારણે ચૂકી ગયો હોવાના અહેવાલ મળ્યા છે. ગોરખપુરના રહેવાસી ભૂષણ કુમાર ઍરપોર્ટ પહોંચ્યા ત્યારે ટર્મિનલને બદલે પાર્કિંગ વિસ્તારમાં ગયા હતા. આરોપ છે કે દારૂના નશામાં હોવાને કારણે તેઓ ત્યાં જ ઊંઘી ગયા હતા.
ભૂષણ કુમાર સાંજે લગભગ ૫:૩૦ વાગ્યે ઍરપોર્ટ પહોંચ્યા હતા. તેમને રાત્રે ૯:૦૫ વાગ્યે ટૅક ઑફ કરતી ઍર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં દુબઈ જવાનું હતું. ઍરપોર્ટ પહોંચ્યા પછી, ભૂષણ ટર્મિનલ તરફ જવાને બદલે પાર્કિંગ વિસ્તારમાં ગયા અને ઊંઘી ગયા. તેઓ લાંબા સમય સુધી પાર્કિંગ લૉટમાં જ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ઍરપોર્ટના સુરક્ષાકર્મીઓએ ભૂષણને લાંબા સમય સુધી પાર્કિંગ વિસ્તારમાં સૂતેલા જોયા અને તેમની સ્થિતિ પર ધ્યાન આપ્યું. તેમની હાલત જોઈને ચિંતિત થયેલા સુરક્ષાકર્મીઓએ તેમની પાસે જઈને પોલીસને જાણ કરી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ત્યારે ભૂષણની ફ્લાઇટનો નિર્ધારિત સમય વીતી ગયો હતો, જેના કારણે તેઓ દુબઈ જતી ફ્લાઇટમાં સવાર થઈ શક્યા નહીં.
પોલીસે ભૂષણને પોતાની કસ્ટડીમાં લીધા અને તબીબી તપાસ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલ્યા. તે સમયે ઍરપોર્ટ પર તેમની સાથે પરિવારનો કોઈ સભ્ય હાજર ન હતો. ત્યારબાદ, પોલીસે ગોરખપુરમાં તેમના પરિવારનો સંપર્ક કર્યો અને તેમને સમગ્ર ઘટના વિશે જાણ કરી. ભૂષણ કુમાર દુબઈ જતી તેમની નિર્ધારિત ફ્લાઇટના ઘણા કલાકો પહેલાં ઍરપોર્ટ પહોંચી ગયા હતા. જોકે, તેમની મુસાફરી અધૂરી રહી ગઈ કારણ કે તેઓ ટર્મિનલ પર ચૅક-ઈન અને બૉર્ડિંગની પ્રક્રિયા પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યા અને તેના બદલે પાર્કિંગ વિસ્તારમાં ઊંઘી ગયા.