04 April, 2026 04:07 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent
ચીનમાં ટૂરિસ્ટ-સ્પૉટ તરીકે તૈયાર છે પીળાં ફૂલોનો સુવર્ણ સાગર
ચીનના જિયાંગ્સુ પ્રાંતમાં આવેલા શિનહુઆ રૅપસીડ ફ્લાવર સિનિક વિસ્તારમાં રૅપસીડનાં પીળાં ફૂલોની ચાદર છવાઈ ગઈ છે. આ ફૂલો નાના-નાના ટાપુઓ પર ઉગાડવામાં આવે છે. સમુદ્ર કે તળાવના પાણીની વચ્ચે રૅપસીડના ફ્લાવર-બેડ તૈયાર કરવામાં આવે છે. માર્ચથી એપ્રિલ મહિના દરમ્યાન આ ફૂલો સોળે કળાએ ખીલે છે. એને કારણે એકદમ નયનરમ્ય માહોલ તૈયાર થાય છે. ડુઓ તિયાન નામની ખેતી પદ્ધતિથી પાણીની વચ્ચે માટીના ઊંચા ટેકરા બનાવવામાં આવે છે અને એમાં પીળાં ફૂલો ઉગાડાય છે. એનાથી વૉટર ટાઉન જેવું દૃશ્ય બને છે. વસંત ઋતુમાં હજારો એકરમાં ફેલાયેલાં પીળાં ફૂલોનાં ખેતરો અહીં સુવર્ણ સાગરના હુલામણા નામે પ્રચલિત છે.