01 May, 2026 01:31 PM IST | Dehradun | Gujarati Mid-day Correspondent
પાંચેય જાન એક જ પરિવારની મહેમાન બની અને આખું ગામ યજમાન
ઉત્તરાખંડના ચકરાતા ક્ષેત્રના ખારસી ગામમાં બુધવારે એક અનોખો નજારો જોવા મળ્યો. આ ગામમાં પાંચ દુલ્હનો જાન લઈને એક જ પરિવારના માંડવે પહોંચી હતી. ખારસી ગામમાં એક સંયુક્ત પરિવારમાં રહેતા બે ભાઈઓ દૌલતસિંહ ચૌહાણ અને મોહન સિંહ ચૌહાણનાં છ સંતાનોના એકસાથે લગ્ન લેવાયાં હતાં. તેમને પાંચ દીકરાઓ અને એક દીકરી છે. પાંચેય પિતરાઈ ભાઈઓએ એક જ માંડવે બેસીને લગ્ન કર્યાં હતાં અને સ્થાનિક રિવાજ મુજબ અહીં જાન લઈને દુલ્હન આવી હતી. પરિવારની એકમાત્ર દીકરીનાં લગ્ન પણ એ જ પ્રથાથી થયાં અને દીકરીની જાન લઈને પરિવારજનો દીકરીના સાસરે ગયા હતા. ઉત્તરાખંડમાં જોજોડા પ્રથા તરીકે ઓળખાતી આ પ્રથા ઘણા વખત પછી જોવા મળી હતી.
પાંચ પિતરાઈ ભાઈઓ માટે પાંચ અલગ-અલગ ગામથી દુલ્હનો જાન લઈને આવી હતી. પાંચેય જાન એક જ પરિવારની મહેમાન બની અને આખું ગામ યજમાન. દૌલતસિંહ ચૌહાણ અને મોહન સિંહ ચૌહાણનો પરિવાર સાથે જ રહે છે અને ઑલરેડી તેમના પરિવારમાં ૩૦ સભ્યો છે. લગ્ન પછી હવે એમાં પાંચ વહુઓનો ઉમેરો થશે. ચૌહાણભાઈઓનું કહેવું છે કે તેમના પરિવારજનોને ક્યારેય અલગ થવાનો વિચાર પણ નથી આવ્યો.