26 May, 2026 12:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પેન્શન મેળવવા માટે ૯૦ વર્ષની સાસુને પીઠ પર ઊંચકી વહુ ૯ કિલોમીટર પગપાળા ચાલીને બૅન્ક પહોંચી
છત્તીસગઢમાં ગરીબીને કારણે લોકોને નાનકડી રકમનું પેન્શન લેવા માટે પણ કેટલી જહેમત ઉઠાવવી પડે છે એનો હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. કુનિયા નામના અંતરિયાળ ગામમાં રહેતી સુખમનિયા નામની પ્રૌઢ મહિલાનો પરિવાર એટલો ગરીબ છે કે ઘરમાં હાંડલાં કુશ્તી કરે છે. સુખમનિયાનાં ૯૦ વર્ષનાં સાસુનું પેન્શન પરિવારને થોડોક સપોર્ટ કરવામાં મદદરૂપ થઈ જાય છે. સુખમનિયાની ચિંતા એ છે કે સાસુનું પેન્શન તો આવે છે, પણ એ લેવા ૯ કિલોમીટર દૂર જવું પડે છે. ગામ બહુ દૂર છે અને તેના ગામથી શહેર જવા માટે પ્રાઇવેટ વાહન હોય તેઓ અવરજવર કરી શકે છે, પણ ભાડાં પર ડાયરેક્ટ કોઈ વાહન પણ નથી મળતાં. વચ્ચે એક નાળું આવે છે એ પાર કરવાનું અઘરું હોવાથી પૈસા આપતાંય વાહન મળતાં નથી. પહેલાં ગામનો જ એક માણસ તેને પેન્શન લાવીને આપતો હતો પણ હવે તેણે પણ એ બંધ કરી દીધું છે. દર ત્રણ મહિને ૧૫૦૦ રૂપિયાનું પેન્શન મળે છે અને એ રકમ માટે વાહનનું ભાડું પણ તેને પોસાય એમ નથી. એક-બે વાર તો તે ચાલીને શહેરની બૅન્કમાં જઈ આવી પણ બૅન્કવાળાઆએ પેન્શનરને સાથે લાવવાનું કહ્યું. ૯૦ વર્ષનાં સાસુ ચાલી શકે એમ નથી અને પરિવારને પેન્શન વિના ચાલે એમ નથી. આખરે પ્રૌઢ વયની વહુએ જ સાસુને ખભે બાંધીને તેમને બૅન્ક સુધી લાંબા થવું પડ્યું હતું. આવું તે પહેલાં પણ કરી ચૂકી છે.