29 October, 2024 03:42 PM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
હૈદરાબાદમાં પેટ્રોલ પમ્પ પર આગ લગાડી.
હૈદરાબાદમાં પેટ્રોલ પમ્પ પર આવું જ બન્યું હતું. દારૂના નશામાં ધૂત ચિરાન નામનો યુવક શનિવારે સાંજે ૭ વાગ્યે પેટ્રોલ પુરાવવા નાચરામ વિસ્તારના પેટ્રોલ પમ્પ પર ગયો હતો. તેને જોઈને ખબર પડી હતી કે તે નશામાં છે. તેના હાથમાં સિગારેટ-લાઇટર પણ હતું. પમ્પના એક કર્મચારી અરુણે ચિરાનના હાથમાં લાઇટર જોઈને પૂછ્યું, ‘શું આગ લગાવવાની ઇચ્છા છે? હિંમત હોય તો આગ લગાડ.’ પછી અરુણ તેના સ્કૂટરમાં પેટ્રોલ ભરતો હતો અને નશામાં ધૂત ચિરાને લાઇટર સળગાવ્યું અને પેટ્રોલે આગ પકડી લીધી. એ સ્કૂટરની નજીક એક નાની છોકરી અને મહિલા ઊભી હતી એ માંડ જીવ બચાવીને ભાગી. આગ લાગી ત્યારે બે કર્મચારી સહિત ૧૧ લોકો હતા એ બધા ત્યાંથી ભાગ્યા, પણ કર્મચારીએ સમયસૂચકતા વાપરીને આગ ઓલવી નાખી હતી. ઘટના બાદ પોલીસે અરુણ અને ચિરાનની ધરપકડ કરી છે.