‘ચલો બુલાવા આયા હૈ...’ ભજન ગાતાં-ગાતાં સ્ટેજ પર અચાનક ભજનિકના રામ રમી ગયા

05 April, 2025 01:45 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

હરીશ માસટા ‘ચલો બુલાવા આયા હૈ... માતાને બુલાયા હૈ...’ ભજન ગાઈ રહ્યા હતા ત્યારે અધવચ્ચે જ ગાતાં-ગાતાં પાછળની તરફ ઢળી પડ્યા હતા.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે આખું શહેર માતા રાનીની ભક્તિમાં ડૂબેલું છે ત્યારે શ્રી હરિમંદિરમાં એક ભજનસંધ્યામાં ઘટેલી એક ઘટનાએ ભક્તોને સ્તબ્ધ કરી નાખ્યા. મંગળવારની રાતે ભજનસંધ્યામાં ભજનમંડળીના ૬૦ વર્ષના ગાયક હરીશ માસટા ‘ચલો બુલાવા આયા હૈ... માતાને બુલાયા હૈ...’ ભજન ગાઈ રહ્યા હતા ત્યારે અધવચ્ચે જ ગાતાં-ગાતાં પાછળની તરફ ઢળી પડ્યા હતા. સાથી ભજનગાયકોએ તેમને તરત હલાવવાની કોશિશ કરી, પણ તેમનો જીવ નીકળી ચૂક્યો હતો. ભજનમંડળીના સભ્યો અને પરિવારજનો હરીશભાઈને તાત્કાલિક એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ ગયા હતા, પણ ત્યાં ડૉક્ટરોએ સારવાર પહેલાં જ તેમને મૃત જાહેર કર્યા હતા.

offbeat news uttar pradesh india national news