26 February, 2025 09:24 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ત્રણ ટ્રાન્સપ્લાન્ટ પછી આ વૈજ્ઞાનિકના શરીરમાં છે પાંચ કિડની, પણ એક જ કામની છે
કિડની ખરાબ થાય તો ટ્રાન્સપ્લાન્ટ માટે એક કિડની મળવામાં તકલીફ થાય છે, પણ ડિફેન્સ મિનિસ્ટ્રીમાં કામ કરતા ૪૭ વર્ષના વૈજ્ઞાનિક દેવેન્દ્ર બર્લેવરના શરીરમાં હાલમાં પાંચ કિડની છે. ૨૦૦૮માં હાઇપરટેન્શનને કારણે તેમની બન્ને કિડની ખરાબ થયા બાદ પહેલી કિડની ૨૦૧૦માં મમ્મીએ આપી હતી. એક જ વર્ષમાં એ ખરાબ થઈ ત્યાર બાદ ૨૦૧૨માં બીજી કિડની તેમના પરિવારજને આપી હતી. ૧૦ વર્ષ સુધી આ કિડની બરાબર કામ કરતી રહી, પણ કોવિડ થયા બાદ ૨૦૨૨માં એ કિડની પણ ખરાબ થઈ ગઈ હતી. ત્યારથી તેમને ડાયાલિસિસ પર રાખવામાં આવ્યા હતા. ૨૦૨૩માં તેમણે ફરી કિડની મેળવવા માટે નામ લખાવ્યું હતું. ૨૦૨૫ના જાન્યુઆરી મહિનામાં તેમને ૫૦ વર્ષના એક બ્રેન-ડેડ ખેડૂતની કિડની મળી હતી અને એ કિડની હાલમાં કાર્યરત છે. આમ તેમના શરીરમાં પાંચ કિડની છે અને આવું પહેલી વાર જોવા મળ્યું છે. હવે તેઓ સ્વસ્થ મહેસૂસ કરે છે.
જીવનમાં ત્રણ વાર કિડની મળે એ દુર્લભ ગણાય છે અને આમાં દેવેન્દ્ર બર્લેવર નસીબદાર રહ્યા છે. તેમના શરીરમાં પાંચ કિડની રાખવા માટે જગ્યા કરવાની રહે છે, કારણ કે કિડની-ટ્રાન્સપ્લાન્ટ બાદ જૂની કિડની શરીરમાંથી બહાર કાઢવામાં આવતી નથી, એ દૂર કરવામાં આવે તો બ્લીડિંગની સમસ્યા થઈ શકે છે. આથી તમામ કિડની શરીરમાં જ રહેવા દેવામાં આવે છે. દેવેન્દ્ર બર્લેવરને હર્નિયાની બીમારી હોવાથી શરીરમાં કિડની ફિટ કરવા માટે પણ સમસ્યા છે. કિડની બદલવાનાં ઑપરેશન પણ જટિલ હોય છે અને વારંવાર કિડની બદલવાની સર્જરી તો એનાથી પણ વધારે કઠિન બની રહે છે.