31 May, 2026 02:20 PM IST | Andhra Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જ્યારે દીકરીનાં લગ્ન માટે મુરતિયો પસંદ કરવાનો આવે ત્યારે પેરન્ટ્સ ચાર જગ્યાએથી એનું બૅકગ્રાઉન્ડ ચેક કરાવે છે. જોકે આંધ્ર પ્રદેશના કાકિનાડામાં એક પિતાએ દીકરીના સગપણ માટે આવેલા મુરતિયાનું વેરિફિકેશન કરવા માટે જે પદ્ધતિ અપનાવી એ ચર્ચાનો વિષય બની છે. આ પિતાએ સમાજમાં તો એ છોકરા વિશે પૂછતાછ કરી જ હતી, પણ એ પછીયે ફાઇનલ પસંદગીની મહોર મારતાં પહેલાં તેઓ ટ્રાફિક પોલીસ પાસે ગયા હતા. તેમણે એ યુવકની માલિકીનાં વાહનો પર કેટલું ટ્રાફિક-ચલાન બાકી છે અને ટ્રાફિકના કેવા નિયમો તોડવા બદલ અત્યાર સુધીમાં તેને દંડ થઈ ચૂક્યો છે એનો રિપોર્ટ કઢાવ્યો. તેમને ચિંતા હતી કે આ યુવક ક્યાંક ડ્રન્કન ડ્રાઇવિંગ, ઓવરસ્પીડિંગ કે રૅશ ડ્રાઇવિંગ કરે છે કે કેમ? આવી આદતો જે-તે વ્યક્તિની ખરી પર્સનાલિટી છતી કરે છે. જ્યારે તેમણે યુવક પાસેનાં વાહનો પરનો રેકૉર્ડ તપાસ્યો તો ખબર પડી કે તેની સામે કોઈ ટ્રાફિક-ચલાન કપાયું નથી. એ સાંભળીને પિતાએ જમાઈ તરીકે એ યુવકને સ્વીકારી લેતાં કહ્યું હતું, ‘આનો મતબલ કે છોકરો સંસ્કારી છે.’