ચીનમાં પિતાએ પુત્રનું બ્રેક-અપ કરાવ્યું અને પછી તેની એક્સ-ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધાં

08 January, 2025 02:46 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

લિયુ લિયાંગહે સામે ભ્રષ્ટાચારના કેસ ચાલી રહ્યા હતા અને તેના પર ૧૪૧ કરોડ રૂપિયાની લાંચ લીધી હોવાનો અને ૩૮૮૭ કરોડ રૂપિયાની ગેરકાયદે લોન આપવાનો આરોપ મુકાયો હતો.

લિયુ લિયાંગહેએ તેમના પુત્રનું પહેલાં બ્રેક-અપ કરાવ્યું હતું અને છ મહિના પછી પુત્રની એક્સ-ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધાં.

ચીનમાં એક એવો કેસ બહાર આવ્યો છે જેના પર ભરોસો કરવો મુશ્કેલ છે, પણ હકીકતમાં એવું બન્યું છે. બૅન્ક ઑફ ચાઇનાના ભૂતપૂર્વ ચૅરમેન લિયુ લિયાંગહેએ તેમના પુત્રનું પહેલાં બ્રેક-અપ કરાવ્યું હતું અને છ મહિના પછી પુત્રની એક્સ-ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધાં હતાં. પોતાની એક્સ-ગર્લફ્રેન્ડ તેની સાવકી મમ્મી બનશે એ જાણીને પુત્રને એટલો બધો શૉક લાગ્યો કે તેને તત્કાળ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવો પડ્યો હતો. જોકે પિતા પણ આ લગ્નનો આનંદ લઈ શક્યા નહીં, કારણ કે ભ્રષ્ટાચારના કેસમાં કોર્ટે અગાઉ સંભળાવેલી ફાંસીની સજા સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ હવે બહાલ રાખવામાં આવી છે.

લિયુ લિયાંગહે સામે ભ્રષ્ટાચારના કેસ ચાલી રહ્યા હતા અને તેના પર ૧૪૧ કરોડ રૂપિયાની લાંચ લીધી હોવાનો અને ૩૮૮૭ કરોડ રૂપિયાની ગેરકાયદે લોન આપવાનો આરોપ મુકાયો હતો. કોર્ટે તેને મોતની સજા સંભળાવી હતી, પણ સજા બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી.

પિતા જેલમાંથી ઘરે આવતાં પુત્ર તેની ગર્લફ્રેન્ડને ઘરે લઈ આવ્યો અને કહ્યું કે મારે આ છોકરી સાથે લગ્ન કરવાં છે. જોકે પુત્રની ગર્લફ્રેન્ડને જોઈને લિયુ ખુદ તેના પર મોહિત થઈ ગયો હતો અને તેણે પુત્રને એ રીતે ભરમાવ્યો કે આ છોકરી ખરાબ છે, આપણી સંપત્તિ પર તેની નજર છે, તેની સાથે લગ્ન કરવાની જરૂર નથી. પુત્રે ગર્લફ્રેન્ડ સાથે બ્રેક-અપ કર્યું એટલે પિતાએ તેનાં લગ્ન તેના બેસ્ટ ફ્રેન્ડની દીકરી સાથે કરાવી દીધાં.

ત્યાર બાદ લિયુ લિયાંગહેએ પુત્રની ગર્લફ્રેન્ડને શોધી કાઢી અને તેને મોંઘી ગિફ્ટો મોકલવા લાગ્યો. ત્યાર બાદ તેને મળીને તેની સાથે લગ્ન કરવા મનાવી લીધી. આ છોકરીએ હા પાડી દેતાં લિયુ લિયાંગહેએ તેની સાથે ચોથાં લગ્ન કર્યાં હતાં. જોકે લગ્ન થયા બાદ તેની સામેના ભ્રષ્ટાચારના કેસનો ચુકાદો આવ્યો હતો અને એમાં તેને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.

china relationships internatioal news news world news offbeat news