11 September, 2023 02:30 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આ એ ચીની મહિલાની વાર્તા છે જેણે શાંઘાઈના સોશ્યલ મીડિયામાં તરખાટ મચાવ્યો છે. તેણે એકસાથે ૧૬ નોકરી કરીને એક વિલા ખરીદી લઈ કૌભાંડ આચર્યું છે. ગુઆન યુનું કૌભાંડ ત્યારે ઝડપાયું જ્યારે તે વિચારતી હતી કે તે કોઈ ક્લાયન્ટને મળી રહી હોય એવા ફોટો અલગ-અલગ વર્ક-ગ્રુપમાં શૅર કરી તેમને છેતરી રહી હતી. તેણે પોતાની દરેક નોકરીના રેકૉર્ડ અને જરૂરી વિગતો, બૅન્ક અકાઉન્ટ્સ સહિતની માહિતી સુનિશ્ચિત કરી રાખી હતી. તે ક્યારેય કોઈ નવી તક ઝડપવામાં ચૂકતી નહીં અને જેવી કોઈ નવી જૉબ મળે ત્યારે તે કોઈકને ઑફર કરી કમિશન મેળવતી હતી. ગુઆન અને તેનો પતિ ચેન કિઆંગ બન્ને કાયદાનો ભંગ કરી રહ્યાં હતાં. ૩ વર્ષમાં આ દંપતીએ શાંઘાઈના બાઓશનમાં એક વિલા પણ ખરીદી હતી. એ માટે તેમણે કેટલા રૂપિયા ચૂકવ્યા એનો કોઈ રેકૉર્ડ નથી. આખરે જાન્યુઆરી ૨૦૨૩માં તેમનો ભાંડો ફૂટ્યો અને એક ટેક કંપનીના માલિકે પેપરવર્કમાં વિસંગતતા પકડી પાડી હતી. તેણે ઑક્ટોબર ૨૦૨૨માં એક ટેક કંપની માટે ટીમ હાયર કરી હતી, જેમાં ટીમ લીડર સાથે ૭ લોકો જોડાયેલા હતા. તમામના રેઝ્યુમે આકર્ષક હતાં, જેમાં લીડર તરીકે ગુઆનને ૨૦,૦૦૦ યુઆન (અઢી લાખ રૂપિયા) અને અન્ય લોકોને એના અડધા ચુકવાતા હતા. જોકે ધારેલું પરિણામ ન મળતાં કૉન્ટ્રૅક્ટ ટર્મિનેટ થઈ ગયો, જેથી તપાસ કરતાં કૌભાંડ ઝડપાયું, જેમાં સૅલેરીથી લઈ અન્ય બૅન્કોમાં ફન્ડ ટ્રાન્સફરના પુરાવા પણ મળ્યા. પરિણામે ગુઆનના આ વળતર કૌભાંડમાં ૫૩ લોકોના જૂથની ધરપકડ કરવામાં આવી. એમાં અંદાજે ૫૦ મિલ્યન યુઆન (૫૬ કરોડ રૂપિયા)થી વધુના કૌભાંડનો ફોડ પડ્યો છે. ચાઇનીઝ સોશ્યલ મીડિયામાં યુઝર્સ આ નોકરી કૌભાંડ પર અલગ-અલગ રીઍક્શન્સ આપી રહ્યા છે.