યાદ છે થોડા મહિના પહેલાં કાર્સ અને સ્કૂટર્સ-બાઇક્સમાં બેસાડાતી કોઈ ચિપની શૉર્ટેજ વિશે આપણે રોજ સાંભળતા હતા? કાર ખરીદનારાઓ, સ્કૂટર કે બાઇક ખરીદનારાઓ બધાની બુમરાણ ચાલતી હતી કે ‘કાર બુક કરાવી છે, પણ ડિલિવરીનાં ઠેકાણાં નથી’, ‘સ્કૂટરનું ઍડ્વાન્સ પેમેન્ટ કરી દીધું છે, પણ ક્યારે આવશે ખબર નથી’. કંઈક આવી જ પરિસ્થિતિ લૅપટૉપ, કમ્પ્યુટર કે મોબાઇલ ફોન સુધ્ધાં ખરીદનારની પણ હતી. કારણ? કારણ કે કોરોનાને કારણે વિશ્વનાં મોટા ભાગનાં પ્રોડક્શન હાઉસિસ બંધ હતાં અને ઇમ્પોર્ટ પણ બંધ હતી. આથી સેમી-કન્ડક્ટર અને સેમી-કન્ડક્ટર ચિપ જેવી કોઈક વસ્તુ હતી જેના સપ્લાયને જબરદસ્ત મોટી અસર થઈ હતી.
સેમી-કન્ડક્ટર શું છે?તો સૌથી પહેલાં તો એ જાણવું પડે કે સેમી-કન્ડક્ટર અને સેમી-કન્ડક્ટર ચિપ એ વળી કઈ બલાનું નામ છે. સેમી-કન્ડક્ટર એટલે એક એવી ઇલેક્ટ્રિકલ પ્રૉપર્ટી જે ઘણાં ઇલેક્ટ્રૉનિક ડિવાઇસિસમાં ફાઉન્ડેશન તરીકે કામ કરે છે. મતલબ કે સાવ સરળ ભાષામાં કહીએ તો એક એવી વસ્તુ જે ઇલેક્ટ્રિક પાવર ગ્રહણ કરી એને જે-તે ડિવાઇસને અનુરૂપ ઢાળી એને પ્રોડ્યુસ કરે અને કાળજી રાખે કે તે જે-તે ડિવાઇસને જરૂર હોય એટલા પ્રમાણમાં અને એ જ સ્વરૂપે પહોંચે.
આથી સામાન્ય રીતે સેમી-કન્ડક્ટર લગભગ બધાં જ ડિવાઇસિસમાં વપરાતું હોય છે જે ઇલેક્ટ્રૉનિક છે અથવા કહો કે સ્માર્ટ્લી કામ કરે છે. પછી એ તમારું લૅપટૉપ હોય, ડેસ્કટૉપ કમ્પ્યુટર, મોબાઇલ ફોન, ટેલિવિઝન હોય કે એક્સ-રે મશીન. અહીંથી શરૂ કરીને સેમી-કન્ડક્ટર અને સેમી-કન્ડક્ટર ચિપ કાર્સ અને સ્કૂટર્સ સુધીનાં અનેક સાધનોમાં વપરાય છે. એક સામાન્ય માણસ તરીકે આપણું સેમી-કન્ડક્ટર વિશેનું આટલું જ્ઞાન પૂરતું છે. ડીટેલ ટેક્નિકલિટી નહીં ખબર હોય તો પણ એટલું જ્ઞાન પૂરતું છે કે લૅપટૉપની હાર્ડ ડિસ્કથી લઈને રૅમ સુધી અને મોબાઇલ ફોનના મધરબોર્ડથી લઈને લગભગ દરેક કાર, સ્કૂટર અને બાઇકમાં જે ઍડ્વાન્સ ફીચર્સ હોય છે એ દરેકનો શ્વાસ, શરીર કે જે ગણો એ આ સેમી-કન્ડક્ટર અને સેમી-કન્ડક્ટર ચિપ જ છે. હમણાં સુધી આ સેમી-કન્ડક્ટર અને ચિપ વગેરે આપણે તાઇવાન, કોરિયા, અમેરિકા, જપાન કે ચાઇના જેવા બીજા દેશોમાંથી ઇમ્પોર્ટ કરતા હતા; પરંતુ ગયા અઠવાડિયે જ આપણે સાંભળ્યું કે જે શહેરને ભારતનું શાંઘાઈ બનાવવાનું નક્કી થયું છે એવા ગુજરાતના ‘ધોલેરા’ ખાતે ભારતની જાણીતી સ્ટીલ કંપની વેદાન્તા વિશ્વની સૌથી મોટી ટેક્નૉલૉજી મૅન્યુફૅક્ચરર અને સર્વિસ પ્રોવાઇડર ગણાતી તાઇવાનની કંપની ફૉક્સકૉન સાથે મળીને ભારતનો હમણાં સુધીનો સૌથી મોટો સેમી-કન્ડક્ટર ઉત્પાદન પ્લાન્ટ નાખવા જઈ રહી છે. પહેલાં ઘટનાક્રમ વિશે વાત કરીએ. પછી થોડી વધુ વિગતોની ચર્ચા તો કરીશું જ.
26 February, 2023 03:57 IST | Mumbai | Aashutosh Desai