12 September, 2026 03:40 PM IST | Toronto | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કૅનેડાના સરે (Surrey) વિસ્તારમાં ભારતીય મૂળની મકાનમાલિક મહિલા અને તેમના ભાડૂત વચ્ચે બાર્બેક્યુ (barbecue) પર રસોઈ બનાવવા બાબતે વિવાદ થયો હતો. ભાડૂતનો આરોપ છે કે મહિલઆએ તેમનો ખોરાક ફેંકી દીધો હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે મહિલા તેમની ગેરહાજરીમાં ઘરમાં ઘૂસી ગઈ હતી અને બાદમાં તાળાં બદલી નાખ્યાં હતાં. વિવાદ વકર્યા બાદ પોલીસે મકાનમાલિક મહિલા રાજ તિવાનાની ધરપકડ કરી હતી. આ ઘટનાને લગતા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ભાડૂતના જણાવ્યા અનુસાર, તેઓ બગીચામાં એક મિત્ર સાથે બાર્બેક્યુ પર રસોઈ બનાવી રહ્યા હતા. તે દરમિયાન, મકાનમાલિક રાજ તિવાના ત્યાં આવી પહોંચ્યા અને તેમને રોકવાનો પ્રયાસ કર્યો. મહિલાએ મિલકતની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હોવાનું કહેવાય છે. ભાડૂતનું કહેવું છે કે મહિલઆએ તેમના પર મિલકતને આગ લગાડવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો. જોકે, ભાડૂતે દાવો કર્યો હતો કે દીવાલ પર દેખાતો ડાઘ કાટ (rust) હતો, આગને કારણે થયેલું નુકસાન નહીં. વિવાદ દરમિયાન ભાડૂતે કહ્યું, "હું 50 વર્ષનો છું. હું ડિનર માટે મિત્રને બોલાવી શકું છું અને હું ભાડું ચૂકવું છું." ત્યારબાદ દલીલબાજી વધી ગઈ હતી. મહિલાએ ભાડૂતને કહ્યું કે જો તેમને બાર્બેક્યુ કરવું હોય તો તેમણે તેમના મિત્રના ઘરે જવું જોઈએ.
સોશિયલ મીડિયા પર શૅર કરાયેલા વીડિયોમાં રાજ તિવાના બાર્બેક્યુ પર રાખેલો ખોરાક ફેંકતી જોવા મળે છે. ભાડૂતે આનો વિરોધ કર્યો અને મહિલાને તે જગ્યા છોડી દેવા માટે વારંવાર કહ્યું. અન્ય એક વીડિયોમાં મકાનમાલિક ભાડૂતના ઘરમાં પ્રવેશતી જોવા મળે છે. ભાડૂતનો આરોપ છે કે તે તેમની પરવાનગી વિના ઘરમાં ઘૂસી ગઈ હતી અને બાદમાં તાળાં બદલી નાખ્યાં હતાં. વિવાદ દરમિયાન બન્ને વચ્ચે ઝપાઝપી જેવી સ્થિતિ પણ જોવા મળી હતી. એક રેકોર્ડિંગમાં પથ્થરનો ઉપયોગ કરીને શારીરિક સંઘર્ષ થયો હોવાનું સૂચિત થાય છે. ભાડૂતે એવો પણ આરોપ મૂક્યો હતો કે મહિલાએ જાણીજોઈને તેમનો વીજળી પુરવઠો કાપી નાખ્યો હતો.
વિવાદ વકર્યા બાદ પોલીસ રાજ તિવાનાના ઘરે પહોંચી હતી. વીડિયોમાં પોલીસ મહિલાને હાથકડી પહેરાવીને લઈ જતી જોવા મળે છે. ધરપકડ પહેલાં, મહિલાએ પોતાની દીકરી સાથે વાત કરવાની વિનંતી કરી હતી. ભાડૂતે `તિવાના ફાર્મ સર્વાઈવર` (Tiwana Farm Survivor) નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિવાદને લગતા અનેક વીડિયો પોસ્ટ કર્યા છે. તેમનો દાવો છે કે બાર્બેક્યુને લઈને થયેલી તકરાર કોઈ એકલ-દોકલ ઘટના નહોતી.