હવામાંથી બટર બનાવતી કૅલિફૉર્નિયાની સ્ટાર્ટઅપ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું બિલ ગેટ્સે

17 July, 2024 10:34 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

દૂધ અથવા તો અન્ય ડેરી પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યા વગર હવામાંથી બટર બનાવતી સ્ટાર્ટઅપ કંપનીને બિલ ગેટ્સનો સપોર્ટ મળ્યો છે.

બિલ ગેટ્સ

દૂધ અથવા તો અન્ય ડેરી પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યા વગર હવામાંથી બટર બનાવતી સ્ટાર્ટઅપ કંપનીને બિલ ગેટ્સનો સપોર્ટ મળ્યો છે. કૅલિફૉર્નિયાની સ્ટાર્ટઅપ કંપનીએ નવી ટેક્નૉલૉજી દ્વારા હવામાંથી બટર બનાવવાનું શરૂ કર્યું છે. આ બટર બનાવવા પાછળ ખૂબ જ ઓછો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. ડેરી પ્રોડક્ટ દ્વારા બનાવવામાં આવતા એટલે કે રિયલ બટર પાછળ એક કિલોદીઠ ૧૬.૯ કિલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. જોકે થર્મોકેમિકલ પ્રોસેસ દ્વારા બનાવવામાં આવતા બટરમાં એક કિલો પાછળ ૦.૮ કિલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન અને ઑક્સિજનને પ્રોસેસ કરીને બટર બનાવવામાં આવ્યું છે અને એનો ટેસ્ટ પણ ખૂબ સારો હોવાનું કહેવાઈ રહ્યું છે. થર્મોકેમિકલ પ્રોસેસ દ્વારા બટર બાદ આઇસક્રીમ, ચીઝ અને દૂધના ઑલ્ટરનેટિવ વિશે શોધખોળ ચાલી રહી છે. આ બટરને વેચવા માટેનું અપ્રૂવલ હજી મળ્યું નથી, એ માટે રાહ જોવાઈ રહી છે. જોકે ૨૦૨૫ પહેલાં એ માર્કેટમાં ઉપલબ્ધ થાય એવા ચાન્સ ઘણા ઓછા છે.

offbeat news california bill gates life masala